જામનગરમાં ઈન્દીરા રોડ પર રોઝી પેટ્રોલપંપ સામે આવેલાં શાંતિ હાર્મની નામના એપાર્ટમેન્ટમાં રહેતાં ગણેશ ઠાકરેએ એક મહિના અગાઉ સાયબર ક્રાઈમ બ્રાંચમાં એવી ફરિયાદ દાખલ કરાવેલી કે, તેની સાથે રૂ. 26.90 લાખની છેતરપિંડીઓ થઈ છે. જો કે ફરિયાદીએ જેતે સમયે જાહેર કરેલું કે, આ છેતરપિંડીઓ એપ્રિલ-2024માં આચરવામાં આવી હતી. આ કાંડનો આરોપી ઝડપાઈ ગયો છે તેમ આજે જામનગર સાયબર ક્રાઈમ બ્રાંચ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
સાયબર ક્રાઈમ બ્રાંચે આજે પત્રકાર પરિષદમાં જાહેર કર્યું કે, આ કાંડનો આરોપી રાજસ્થાનનો રાજુરામ સોહનરામ ગેહલોત ઝડપાઈ ગયો છે. 32 વર્ષનો આ શખ્સ મજૂરી કરે છે.
એક મહિના અગાઉ ગણેશ ઠાકરેએ આ ફરિયાદ દાખલ કરાવેલી ત્યારે એમ જાહેર કરેલું કે, તેના પાર્સલમાં ડ્રગ્સ આવ્યું છે તેમ જણાવી આરોપીએ ક્રાઈમ બ્રાંચના નામે આ ફરિયાદીને ધમકાવેલો અને ફરિયાદીએ ડરી જઈ પોતાના બેંક ખાતાંની વિગતો આ અજાણ્યા શખ્સને આપી દીધેલી અને રૂ. 26.90 લાખની રકમ પણ ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધી હતી ! પછી આ રકમ ગઈ એવી ફરિયાદ દાખલ કરાવી. આજે આ આરોપી અંગેની વિગતો સાયબર ક્રાઈમ બ્રાંચ પોલીસ ઈન્સ્પેક્ટર આઈ.એ.ધાસુરા દ્વારા પત્રકારોને આપવામાં આવી.