ગુજરાત રાજ્ય જ્યારથી અસ્તિત્વમાં આવ્યું ત્યારથી શાસને આ રાજ્યને નશાબંધીવાળા રાજ્ય તરીકે, ડ્રાય સ્ટેટ તરીકે જાહેર કરેલું છે. જો કે, આ રાજ્યમાં ગળું ભીનું કરવાની, નશો કરવાની તમામ ગેરકાયદેસર સુવિધાઓ સરળતાથી અને સર્વત્ર ઉપલબ્ધ છે એ એક અલગ ચર્ચાનો વિષય છે. આ સ્થિતિઓ વચ્ચે, રાજ્યના નશાબંધી વિભાગ સંબંધિત એક નવા સમાચાર પણ જાણવાલાયક છે.
નશાબંધી વિભાગે ગત્ મહિનાના એટલે કે જૂલાઈ મહિનાના અંત સુધીના જે આંકડાઓ જાહેર કર્યા છે તે મુજબ, રાજ્યમાં કુલ 52,856 લોકો પાસે શરાબપાન કરવાનો સરકારી પરવાનો છે. જામનગર આ આંકડાઓની દ્રષ્ટિએ રાજ્યમાં છઠ્ઠા ક્રમે છે. જામનગર તંત્ર દ્વારા કુલ 2,547 લોકોને શરાબ પીવા બાબતે સરકારી નિયમો અનુસાર ‘છૂટ’ આપવામાં આવી છે.
સમગ્ર ગુજરાતમાં જે લોકો પાસે શરાબ સેવનનો પરવાનો છે તે પૈકી 85 ટકા લોકોએ સ્વાસ્થ્યના આધાર પર આ પરવાનો પ્રાપ્ત કર્યો છે. અન્ય 2,551 લોકો પાસે હંગામી પરમિટ અને 3,530 લોકો પાસે મુલાકાતી પરમિટ અને 1,743 લોકો પાસે પ્રવાસી પરમિટ છે. અત્યાર સુધી આ બધી જ પ્રક્રિયાઓ ઓફલાઈન છે, જેને કારણે વિલંબ અને ભ્રષ્ટાચારની પણ ‘રાડ’ સાંભળવા મળે છે. આગામી ડિસેમ્બર અંત સુધીમાં આ સમગ્ર પ્રોસેસ ઓનલાઈન થઈ જશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, નશાબંધી અને આબકારી વિભાગ પાસે શરાબનો પરવાનો આપવા સહિત કુલ 50 પ્રકારના લાયસન્સ આપવાની સતાઓ છે. જો કે સરકારે રાજ્યના આ વિભાગમાં 66 ટકા કર્મચારીઓ અને અધિકારીઓની જગ્યાઓ ખાલી રાખી છે. એક એક અધિકારીને બબ્બે ત્રણ ત્રણ જગ્યાઓ પર ચાર્જ આપવામાં આવે છે, જેને કારણે એક તરફ અધિકારીઓ અને કર્મચારીઓ પર કામનું ભારણ અને આ વિભાગ સાથે જેમને પનારો છે એમના કામોમાં વિલંબ- આ સ્થિતિઓ લાંબા સમયથી છે !
આ વિભાગમાં તમામ કામગીરીઓ હવે ઓનલાઈન થશે. http://eps.gujarat.gov.in નામની વેબસાઈટ પર પરવાનાની કામગીરીઓ થશે. જેમાં લોગ ઈન ID જનરેટ કરવાનો રહેશે. આદિવાસી ડાંગ જિલ્લામાં માત્ર એક જ વ્યક્તિને શરાબ સેવનની પરમિટ આપવામાં આવી છે. સૌથી વધુ 16,475 પરમિટ અમદાવાદ જિલ્લામાં આપવામાં આવી છે.
નશાબંધી વિભાગ ઓનલાઈન થતાં કઈ અરજી અને કઈ ફાઈલ ક્યા ટેબલે છે, તે જાણી શકાશે. સરકારનો દાવો છે કે, આથી વિલંબ-કામચોરી અને ભ્રષ્ટાચાર ઘટી જશે. કામમાં ઝડપ આવશે. પરંતુ સરકારના અન્ય જે કેટલાંક વિભાગોમાં કામગીરીઓ અને કાર્યવાહીઓ ઓનલાઈન થઈ રહી છે, તેમાં લોકોને કઈ કઈ બાબતો અને ક્ષતિઓનો સામનો કરવો પડી રહ્યો છે, તે પણ સૌ જાણે જ છે. સરકાર જો કે સારાં આશય અને ઝડપી એજન્ડા પૂર્તિ માટે આ વિભાગને ઓનલાઈન એટલે કે ડિજિટલ બનાવી રહી છે.
ગુજરાત સ્ટેટ મોનિટરીંગ સેલ-SMC જે શરાબ ઝડપી લ્યે છે તેમાં જામનગર-દ્વારકા સહિતના જિલ્લાઓની ‘રાજકોટ રેન્જ’ ચમકી!
SMCએ વર્ષ 2024 દરમ્યાન શરાબના કુલ 455 કેસ દાખલ કર્યા. અને કુલ રૂ. 22.52 કરોડનો શરાબ ઝડપી લીધો. જે પૈકી રૂ. 3.63 કરોડનો શરાબ રાજકોટ રેન્જમાંથી ઝડપાઈ ગયો. આ બાબતમાં રાજકોટ રેન્જ સમગ્ર રાજ્યમાં સુરત રેન્જ પછી બીજા ક્રમે છે, જેનો અર્થ એમ પણ થઈ શકે કે, ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી સૌરાષ્ટ્રમાં ચિક્કાર શરાબ ઠલવાઈ રહ્યો છે, રાજકોટ રેન્જમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે.