Mysamachar.in-જામનગર
સામાન્ય માણસની સમજ અને માન્યતા એવી છે કે, FSL એટલે કે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો રિપોર્ટ એટલે ફાઈનલ. કારણ કે, FSL એટલે એક અર્થમાં સરકાર ખુદ. અને, આ પુરાવાઓ વૈજ્ઞાનિક હોય છે, આ પુરાવાઓ આખરી હોય છે. પરંતુ ના, કાયદાની ભાષા વિજ્ઞાન કરતાં અલગ છે. કાયદાની ભાષામાં FSL રિપોર્ટ ‘વધારા’નો પુરાવો છે- મુખ્ય પુરાવો નહીં. કાયદાની આ ભાષા દર્શાવે છે કે, લોકોએ FSL અંગેની પોતાની સમજ સુધારવી પડે.
જામનગરમાં બનાવટી સર્ટિફિકેટનો એક મામલો બનેલો. જેમાં FSL રિપોર્ટ આરોપીની વિરુદ્ધ હોવા છતાં, આરોપીનો છૂટકારો થયો છે. આ કેસ જાણવાલાયક છે. જામનગરમાં જુમા મસ્જિદ ટ્રસ્ટ સંચાલિત એક શાળાના આચાર્યએ એવી ફરિયાદ નોંધાવેલ કે, એમની શાળાના નામવાળું “શાળા છોડયાનું પ્રમાણપત્ર” એટલે કે, LC બોગસ હોવાનું ધ્યાન પર આવ્યું હતું અને તે આધાર પર આરોપી મોઈનુદીન યુસુફભાઈ ચાકી વિરુદ્ધ બોગસ સર્ટિફિકેટ અંગે ફરિયાદ કરાવવામાં આવી હતી.

આ આખો મામલો છેવટે ન્યાય માટે અદાલતમાં પહોંચ્યો. ત્યારે, વિગતો બહાર આવી કે, આરોપી ઈરફાન કાસમભાઈ દરજાદા ધોરણ આઠ પાસ છે એવું પ્રમાણપત્ર આરોપી ચાકીએ રૂ. 2,000માં બનાવી આપ્યું હતું. FSL નો પુરાવો કહે છે, આ પ્રમાણપત્ર સાચું નથી. અને, તમામ સાહેદોએ આ બાબતનું જુબાની દરમ્યાન સમર્થન પણ આપેલ છે.
બાદમાં, આરોપી મોઈનુદીન ચાકી વતી વકીલ રાજેશ ગોસાઈએ અદાલતમાં દલીલ કરી કે, કોઈ જ પક્ષકારોએ ટ્રાયલ દરમિયાન એ જણાવેલ નથી કે, આ ડોક્યુમેન્ટ કોના દ્વારા રજૂ થયેલ. આરોપી સામે કોઈ પુરાવો રેકર્ડ પર આવેલ નથી. FSL પુરાવો કોરોબ્રેટિવ(વધારાનો) પુરાવો છે, તે ત્યારે જ લાગુ પાડી શકાય જ્યારે મૌખિક પુરાવો તેને સમર્થન કરતો હોય. માત્ર અને માત્ર FSL પુરાવો ધ્યાન પર લઈ આરોપીને સજા કરી શકાય નહીં. આ દલીલો સહિતની બાબતો ધ્યાન પર લઈ અદાલતે આરોપી મોઈનુદીન યુસુફભાઈ ચાકીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે.