Mysamachar.in:અમદાવાદ
જામનગર જિલ્લાનાં કાલાવડ તાલુકાના ભાયુખાખરિયા ગામમાં ગત્ માસનાં પ્રારંભે જેટકો કંપનીનાં થાંભલા એક ખેડૂત પરિવારની વાડીમાં ઉભાં કરવા બાબતે ડખ્ખો થયો હતો. હાલ આ મામલો હાઈકોર્ટમાં ચાલે છે જેમાં અદાલતે પોલીસને યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે અને ફરિયાદી કપૂરિયા પરિવાર વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી પર સ્ટે ફરમાવ્યો છે. આ ચકચારી કેસની ટૂંકી વિગતો એવી છે કે, ભાયુખાખરિયા ગામમાં કપૂરિયા પરિવારની વાડીમાં જેટકો કંપની દ્વારા થાંભલાઓ લગાડવામાં આવી રહ્યા હતાં ત્યારે વાડીમાલિક કપૂરિયા પરિવારનાં કેટલાંક સભ્યોએ થાંભલાઓ લગાડવાની કામગીરી કરી રહેલાં સ્ટાફની ફરજમાં રૂકાવટ ઉભી કરી હતી અને સ્ટાફ પર હુમલો કર્યો હતો એવી ફરિયાદ જેતે સમયે જેટકો કંપની દ્વારા કપૂરિયા પરિવાર વિરુદ્ધ નોંધાવવામાં આવી હતી.
ત્યારબાદના ઘટનાક્રમમાં પોલીસ કપૂરિયા પરિવારનાં એક યુવાન તથા એક સગીરને ઉઠાવી લાવી હતી અને બેરહમીથી ક્રૂર રીતે પોલીસે આ બંનેને માર માર્યો હતો અને તેથી બંનેને જામનગરની હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી, જે અંગે જિલ્લા પોલીસ વડાને પણ અરજી કરવામાં આવી હતી છતાં પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી એ મતલબની રજૂઆત કપૂરિયા પરિવારનાં એક મહિલાએ હાઈકોર્ટમાં કરી હતી.
ત્યારપછી હાઈકોર્ટે કાલે ત્રીજી જુલાઈએ જામનગર જિલ્લા પોલીસ વડાએ હાઈકોર્ટમાં હાજર રહેવું એવો જે તે સમયે આદેશ કરેલો જે અનુસંધાને જામનગર એસપી પ્રેમસુખ ડેલુ કાલે સોમવારે હાઈકોર્ટમાં આ કેસ સંબંધે હાજર રહ્યા હતાં. વડી અદાલતે આ કેસમાં જામનગર પોલીસને આકરાં સવાલો કર્યા હતાં અને ખૂબ જ કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો. હાઈકોર્ટે કાલાવડ પોલીસનાં આ કેસમાં વર્તનને લઈને પોલીસની આકરી ટીકા કરી હતી અને પોલીસને સમજાવ્યું હતું કે, હાલ દેશમાં લોકશાહી છે, અંગ્રેજોનું શાસન નથી. પોલીસને દાદાગીરી કરવાનો પરવાનો નથી.
આ ઉપરાંત વડી અદાલતે આ પ્રકરણમાં જિલ્લા પોલીસ વડાની ભૂમિકાની પણ ગંભીર નોંધ લીધી હતી. અને સારાં શબ્દોમાં ઠપકો આપ્યો હતો. વડી અદાલતે આ પ્રકરણમાં એસપીને કડક અને યોગ્ય કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે અને સાથે કહ્યું છે કે, હાલ કપૂરિયા પરિવાર વિરુદ્ધ કોઈપણ પ્રકારની કાનૂની કાર્યવાહી કરવામાં ન આવે.
-ત્રણ દાદાની કહેવત જૂની થઈ:હાઈકોર્ટ
કાલાવડ તાલુકાના ભાયુખાખરિયા ગામમાં બનેલો કસ્ટોડિયલ ટોર્ચર કેસ કાલે સોમવારે હાઈકોર્ટમાં ચાલ્યો ત્યારે, અદાલતે જામનગર પોલીસને કહ્યું : અંગ્રેજોના જમાનામાં ત્રણ દાદાની કહેવત હતી. ગણેશ દાદા, હનુમાન દાદા અને પોલીસ દાદા એમ કહેવાતું. પરંતુ આ કહેવત જૂની છે. હવે લોકશાહી છે, અંગ્રેજોનું શાસન નથી. પોલીસ કાયદો હાથમાં લઇ શકે નહીં.