Mysamachar.in-જામનગર:
સાયબર ક્રાઈમ સંબંધે જામનગરનું પણ નામ ચમકયું છે, જામનગરના કેટલાંક શખ્સોને અમદાવાદની એક હોટેલમાંથી ઝડપી લેવામાં આવ્યા છે, આ સાથે અન્ય શહેરોના શખ્સો પણ ઝડપાયા છે. આ આખું સાયબર ક્રાઈમ અમદાવાદ પોલીસે એક હોટેલમાં ચાલતું હોવાનું શોધી કાઢયું છે.
વિવિધ પ્રકારના સાયબર ગુનાઓ માટે મોબાઇલ સીમકાર્ડ સ્વેપ કરાવી તેની વિગતો અને તેની સાથે સંકળાયેલી બેંક ખાતાંની વિગતો દૂબઈ પહોંચાડવાના એક કાવતરાંનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, એવા દાવા સાથે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે 3 શખ્સોની અમદાવાદમાં ધરપકડ કરી છે. જે હોટેલમાં આ દરોડો પાડવામાં આવ્યો, તે હોટેલમાંથી જામનગર, ભાવનગર, સુરત અને રાજકોટના એક ડઝન શખ્સો પણ મળી આવ્યા હોવાનું બહાર આવ્યું છે.
આ શખ્સો હોટેલના અલગઅલગ રૂમમાં લોકોના બેંક એકાઉન્ટ અંગેની કામગીરીઓ કરી રહ્યા હતાં. આ એકાઉન્ટની વિગતો સઈમ દેસાઈ નામના શખ્સને આપવામાં આવતી હતી. આ શખ્સ પણ અહીં હોટેલમાં જ હતો. આ સાથે, સાકીર મેમણ ઉર્ફે ભાણો ઝડપાયો છે, જે પાસા હેઠળનો વોન્ટેડ આરોપી છે. આ તમામ શખ્સો અમદાવાદમાં અંજલિ ચાર રસ્તાથી વાસણા તરફ જતાં રોડ પરની હોટેલ મળી આવ્યા.
દેસાઈ પાસેથી બ્લેન્ક સીમ કાર્ડ મળી આવ્યા છે. આ કાર્ડ તે દૂબઈ મોકલતો. દૂબઈમાં બેઠેલાં કેટલાંક તત્ત્વો આ કાર્ડનો ઉપયોગ કરી, ગેરકાયદેસરના ટ્રાન્ઝેક્શન કરતાં. આ સીમ કાર્ડ ટેલિકોમ કંપનીઓના સ્ટોરમાંથી ડમી નામો દ્વારા મેળવવામાં આવતાં. આ કામગીરીઓ આફતાબ દસાડિયા નામનો શખ્સ કરતો. આફતાબ તળાજાનો છે. આ ઉપરાંત પાલિતાણાનો ભયલુખાન બલોચ પણ ઝડપાયો છે. આ આરોપીઓ આ બધી મહત્ત્વની વિગતો કમિશનથી વેચતાં હતાં.
આ કૌભાંડમાં સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના કેટલાંક લોકોનો ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું છે. દેસાઈ નામનો શખ્સ આ તમામ લોકોનો હોટેલ ખર્ચ તથા જમવાનો ખર્ચ ભોગવતો હતો. સાયબર ક્રાઈમ બ્રાંચમાં જે 44 ફરિયાદો થઈ છે તે પૈકીની 10 ફરિયાદના તાર આ શખ્સો સાથે જોડાયેલા મળી આવ્યા છે. પોલીસે 21 મોબાઇલ ફોન પણ કબજે લીધાં છે. સાયબર ગુનાઓમાં જે નાણાં જમા થાય તેનું 1.5 ટકો કમિશન દેસાઈ નામના આ શખ્સને મળતું હોવાનું ખૂલ્યું છે. પાકિસ્તાનની માઈક નામની એક યુવતી દૂબઈમાં બેસી, આ બધાં શખ્સો પાસેથી આ સીમ કાર્ડ અને બેંક ખાતાંઓની વિગતો એકત્ર કરી લેતી. આ યુવતી ચાઈનીઝ ભાષા જાણે છે. આ યુવતી આ તમામ ડેટા ચીન મોકલી રહી છે અને ત્યાંથી આ સાયબર ગુનાઓ ઓપરેટ થઈ રહ્યા છે, એવી શંકાઓના આધારે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચ આ તમામ શખ્સોની આકરી પૂછપરછ કરી રહી છે. (symbolic image source:google)