Mysamachar.in-જામનગર:
જામનગર શહેરના ઘન કચરામાંથી અમે વીજ ઉત્પાદન કરીશું- અમને આ કચરો પ્લાન્ટ સુધી પહોંચાડી આપજો અને પ્લાન્ટ બનાવવા જમીન આપજો, એમ કહીને સ્વચ્છતા બાબતે મોટી મોટી વાતો કરનાર કંપનીનો શહેરના ગાંધીનગર વિસ્તાર નજીક આવેલો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ લાંબા સમયથી બંધ છે, જેને કારણે શહેરની ઘન કચરા નિકાલની વ્યવસ્થાઓ ખોરવાઈ ગઈ છે. અને, નજીકના સમયમાં આ સમસ્યાનો ઉકેલ દેખાતો નથી.તો બીજી તરફ ગુલાબનગર ડમ્પિંગ સાઈટ પર કચરાના ગંજ ખડકાઈ ગયા છે.
જામનગર મહાનગરપાલિકાએ ગત્ તા. 23-04-2025 ના રોજ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ ચલાવતી આ કંપનીને પ્રથમ નોટિસ આપેલી. જેમાં જણાવાયું છે કે, વર્ષ 2024-25 દરમિયાન આ પ્લાન્ટ 4 મહિના બંધ રહ્યો હતો. આ ઉપરાંત વર્ષ 2025-26માં પણ એપ્રિલ દરમિયાન આ પ્લાન્ટ બંધ છે. આજે પણ બંધ છે. જેથી મહાનગરપાલિકાને કચરાના નિકાલ માટે વધારાનો આર્થિક બોજ ઉઠાવવો પડે છે.

આ નોટિસમાં એમ પણ કહેવાયું છે કે, આપનો પ્લાન્ટ પાંચ દિવસમાં કાર્યરત કરશો. અથવા ટેન્ડરની ટર્મ અને કંડીશન મુજબ આગળની કાર્યવાહીઓ હાથ ધરવામાં આવશે. આ નોટિસ પછી પણ પ્લાન્ટ ફરી શરૂ થયો નહીં ! કંપની વિરુદ્ધ કોઈ કાર્યવાહીઓ થઈ નથી. અને, મહાનગરપાલિકાએ ફરીથી ઉપરોકત પ્રકારની નોટિસ રિમાઈન્ડરના રૂપમાં 15 મે ના રોજ કંપનીને મોકલી. તે પછી પણ, આજેય આ પ્લાન્ટ બંધ છે ! અને, કંપની સલામત છે. કંપની વિરુદ્ધ મહાનગરપાલિકાએ કોઈ જ કાર્યવાહીઓ કરી નથી. કંપની સામે મનપાનું કુણું વલણ સવાલો ઉભું કરનારું છે.

એવી ચર્ચાઓ છે કે, વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ ધરાવતી આ કંપની નાણાંકીય બાબતોમાં ઘેરાયેલી છે. જો કે એ કંપનીની અંગત સમસ્યા છે. આવા કારણોસર જામનગર મહાનગરપાલિકાએ વધારાનો આર્થિક બોજ સહન કરવો પડે- એ ગંભીર વિષય લેખાવી શકાય. આ કંપની વિરુદ્ધ મહાનગરપાલિકા ટેન્ડરની ટર્મ અને કંડીશન મુજબ ક્યારે, શું પગલાં લ્યે છે, તેના પર સૌની નજર છે.
