Mysamachar.in-જામનગર:
રાજ્ય સરકાર છેલ્લા કેટલાક દિવસોથી સતત એક્શન મોડમાં કામ કરી રહી છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં જ્યાં રોડ –રસ્તા અને પુલની નબળી કામગીરી દેખાય તો તે જિલ્લાના લગત વિભાગના અધિકારીઓને કોન્ટ્રાક્ટર સામે ગંભીર પગલા લેવા આદેશ આપવામાં આવ્યા છે.જે બાદ જામનગર મનપાની પ્રોજેક્ટ પ્લાનિંગ શાખા આળસ મરડીને ઉભી થઇ છે અને નોટીસ આપવાની ફરજ પડી છે.
જામનગર મહાનગરપાલિકામાં શહેરના ત્રણ મુખ્ય સી.સી. રોડ કામદાર કોલોની મેઇન રોડ, જનતા ફાટકથી એમ્યુઝમેંટ પાર્ક થઈ 1404 આવાસ સુધીનો રોડ અને એમ્યુઝમેંટ પાર્કથી સત્યમ કોલોની સુધીના રોડ પર આસ્ફાલ્ટ રી-કાર્પેટિંગનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. આ તમામ માર્ગોના રી-કાર્પેટિંગનું કામ મે–2022 માં પૂર્ણ થયું હતું. ચાલુ વર્ષે આ તમામ રસ્તાઓમાં ખામી અને નુકસાન જોવા મળ્યું છે. જે ધ્યાને લઈ મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર વિરાજ કન્સ્ટ્રકશનને ટેન્ડરની શરતો અનુસાર નોટિસ પાઠવવામાં આવી હતી. રોડ હાલ પણ ડિફેક્ટ લાયેબિલિટી પિરિયડ હેઠળ આવેલુ હોવાથી, સીધી જવાબદારી કોન્ટ્રાક્ટરની છે.
પરીણામે, રોડમાં થયેલ નુકસાનની મરામત કોન્ટ્રાક્ટર પાસેથી તેના સ્વખર્ચે કરવામાં આવશે. આમ, ટેન્ડર કોન્ટ્રાક્ટના ટેન્ડર ક્લોઝ અનુસાર કુલ 1520 ચો.મી. રોડ રીસરફેસમાં નુકશાન થયું હતું તેને ડિફેક્ટ લાયેબિલિટી ક્લોઝ અનુસાર કોન્ટ્રાકટર પાસેથી જ રિપેરિંગ અને રી-કન્સ્ટ્રકશન કરાવવામાં આવશે.પણ આ નોટીસ સાથે સવાલો એ ઉઠે કે માધ્યમોમાં પોતાનું નામ અને ફોટા પડાવવા કમરે હાથ દઈને ઉભા રહી જતા પ્રોજેક્ટ પ્લાનિંગ વિભાગના સાહેબોએ આ કામગીરી થઇ રહી હતી ત્યારે પુરતી સ્થળ તપાસ જાત નિરીક્ષણ કર્યું હતું કે પછી..?