Mysamachar.in-જામનગર:
શહેરના સંસ્કારી લેખાતા રહેણાંક વિસ્તારોમાં સમાવેશ પામતા રણજિતનગર વિસ્તારમાં લાંબા સમયથી ઐયયાશીનો અડ્ડો કુખ્યાત તો હતો જ, હવે આ અડ્ડો ‘સમાચાર’ બની ગયો. નિવૃત પોલીસ અધિકારી પ્રવિણસિંહ ઝાલાનો પુત્ર અશોકસિંહ આ અડ્ડાના માલિક તરીકે ઝડપાઈ ગયેલો જાહેર થયો. અને, તેના ચાર દિવસના રિમાન્ડ પણ મંજૂર થઈ ચૂક્યા છે. હવે પોલીસ આ મામલામાં ઉંડે સુધી ઉતરવા આગળ વધી રહી છે.ઉદ્યોગનગર પીએસઆઈ આર.ડી.ગોહિલ અને તેની ટીમ આ મામલે સતત તપાસ તજવીજ કરી રહી છે,
પોલીસવર્તુળોના જણાવ્યા અનુસાર, રણજિતનગરમાં પ્રણામી હાઈસ્કૂલ પાછળના ભાગમાં હાઉસિંગ બોર્ડના રહેણાંક ફલેટ્સ પૈકી 3 માળના એક બ્લોકમાં રહેતાં અશોકસિંહ નામના આ શખ્સે, એક માળમાં પોતાનો વસવાટ રાખ્યો હતો અને એક માળમાં મુંબઈના શરાબબાર જેવી સઘળી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. પુષ્કળ CCTV કેમેરા, લાઈટોનો ઝગમગાટ અને સોફા વગેરેની બેઠક સાથે ‘મહેફિલ’ માણવાની વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી હોવાનું પોલીસના અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે.અને તે દિશામાં પોલીસ તપાસ તજવીજ પણ કરી રહી છે.
જો કે, આ બિલ્ડિંગમાં નહીં પણ બિલ્ડિંગના મેદાનમાં એક વિશાળ ફોર વ્હીલર વાહનમાં મોબાઈલ વેશ્યાગૃહ ચાલતું હતું એમ ગઈકાલે મંગળવારે જાહેર થયું. આ વાહનમાં બેડ અને AC સહિતની સઘળી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવેલી. પોલીસે અગાઉ પણ અહીં દરોડો પાડવાની તૈયારીઓ કરી હતી પણ કહેવાય છે કે, એ સમયે અહીં ધંધાદારી યુવતિઓ અને મહિલાઓ હાજર ન હતી તેથી દરોડો પાડવાની કાર્યવાહીઓ મોકૂફ રહેલી.
એમ પણ કહેવાય છે કે, આ બિલ્ડિંગમાં દરોડો પડે ત્યારે નાસી છૂટવા માટે પાંચેક જેટલાં દરવાજા પણ છે. અને, આ જગ્યાએ દરોડા માટે પોલીસ પહોંચે એ પહેલાં પોલીસના આગમન અંગેની જાણકારીઓ મેળવવા માટે આ વિસ્તારમાં આ શખ્સે સંખ્યાબંધ CCTV કેમેરા ગોઠવ્યા છે. આ મોબાઈલ વેશ્યાગૃહમાં આવતાં તમામ ગ્રાહકોને નાણાંનું પૂરતું વળતર આપવા માટે આ વાહનમાં આ શખ્સે, જરૂરી ટેક્નિકલ ફેરફારો કરી, એક વિશાળ મોબાઈલ બેડરૂમ જેવું વાતાવરણ ઉભું કરેલું. એમ માનવામાં આવે છે કે, પોલીસે અહીંથી વાહનો કબ્જે લીધાં બાદ હવે આ સમગ્ર સ્થળનું પણ પંચનામું થશે. આ માટેની તૈયારીઓ થઇ ચૂકી હોવાનું બહાર આવ્યું છે. માત્ર રણજિતનગર વિસ્તારમાં જ નહીં, સમગ્ર જામનગર શહેર સહિત આખા હાલારમાં ઐયયાશીના આ અડ્ડાની ચર્ચાઓ છે. આ પ્રકરણમાં દ્વારકાનો દિલીપ નામનો એક શખ્સ દરોડા સમયે નાસી ગયેલો જે હજુ પકડાયો નથી.