Mysamachar.in-જામનગર:
જામનગરના લાલવાડી વિસ્તારમાં જૂની આવાસ યોજના નજીક શુક્રવારે વહેલી સવારે એક યુવાનની હત્યા થઈ હતી જે પ્રકરણમાં લોકલ ક્રાઈમ બ્રાંચ તથા સિટી એ ડિવિઝન પોલીસે 2 આરોપીઓ ઝડપી લીધાં છે, જે બંને ડ્રાઇવિંગનો ધંધો કરી રહ્યા હોવાનું જાહેર થયું છે.
આ હત્યાની તપાસ દરમ્યાન હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સોર્સના આધારે પોલીસના ધ્યાન પર આવ્યું હતું કે, આ પ્રકરણના આરોપીઓ નુરી ચોકડીથી માર્કેટ યાર્ડ તરફ જતાં રસ્તા પર ઉભા છે. આ વિગતોના આધારે પોલીસે 2 આરોપીઓને ઝડપી લીધાં છે.
આ આરોપીઓના નામ આબિદ મુસાભાઈ ચાડ (27) અને હુસેન દાઉદભાઈ જુણેજા(30) છે, આ બંને શખ્સ ડ્રાઇવીંગનો ધંધો કરે છે. બંને શખ્સ જૂના આવાસના રહેવાસીઓ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગત્ રોજ આ હત્યા બાદ પોસ્ટમોર્ટમ સમયે મૃતકના પરિજનોએ એમ કહેલું કે, આરોપીઓને પકડી લેવામાં ન આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં આવશે નહીં. આ બંને આરોપીઓની સોંપણી સિટી એ ડિવિઝન પોલીસને કરી દેવામાં આવી છે. ફાઇનાન્સમાંથી લીધેલી રિક્ષાના હપ્તાના નાણાં બાબતે આરોપીઓ અને મૃતક વચ્ચે ડખો હતો. અને મૃતકને સમાધાન માટે બોલાવી આ હુમલો થયેલો એમ મૃતકના ભાઈએ જાહેર કર્યું છે.