જામનગર મહાનગરપાલિકાએ આજે 15મી ઓગસ્ટથી નવી વોટ્સએપ સુવિધાઓનો આરંભ કર્યો છે. આ માટે મહાનગરપાલિકાએ એક વોટ્સએપ નંબર જાહેર કર્યો છે, જેના માધ્યમથી વિવિધ સુવિધાઓ મેળવી શકાશે અને ફરિયાદ પણ કરી શકાશે.
જામનગર મહાનગરપાલિકાએ શહેરીજનો માટે વોટ્સએપ નંબર
94265 24365 જાહેર કર્યો છે. આ નંબર પર નગરજનોએ પ્રથમ HI type કરી સંપર્ક જોડવાનો રહેશે, બાદમાં ભાષા અને સંબંધિત શાખા પસંદ કરવાના રહેશે. બાદમાં તમે જે સર્વિસ મેળવવા ઈચ્છતા હો, એ સર્વિસ પસંદ કરવાની રહેશે. આ એક વોટ્સએપ ચેટબોટ છે.
આ વોટ્સએપ નંબર મારફતે નગરજનો ઓનલાઈન પેમેન્ટ, ઓનલાઈન ટેક્સ એપ્લિકેશન, સર્ચ એસેસમેન્ટ નંબર, ઓનલાઈન રિસિપ્ટ, બિલ ડાઉનલોડ, એસેસમેન્ટ નોટિસ અને મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન સેવાઓ મેળવી શકાશે.
આ ઉપરાંત EC પ્રોફેશનલ ટેક્સ તથા RC પ્રોફેશનલ ટેક્સ માટે પણ આ નંબર ઉપયોગમાં લઈ શકાશે. તેમજ ફરિયાદો નોંધાવી શકાશે અને સર્ટિફિકેટ તથા અરજીપત્રકો મેળવી શકાશે. આ સેવામાં જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓની વિગતો મેળવી શકાશે. મહાનગરપાલિકાએ નગરજનોને આ સેવાઓનો લાભ લેવા અનુરોધ કર્યો છે.