Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાની દર 15 દિવસે મળતી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે સ્ટે.કમિટી ચેરમેન નીલેશ કગથરાના અધ્યક્ષસ્થાને મળી જેમાં સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો ઉપરાંત મેયર,ડેપ્યુટી મેયર, કમિશ્નર નાયબ કમિશ્નર, સીટી ઈજનેર, આસી કમિશ્નર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે મળેલ કમિટીમાં કુલ 23 એજન્ડાઓ રજુ કરવામાં આવ્યા હતા તે ઉપરાંત 10 કામો ચેર પરથી લેવામાં આવ્યા છે
આજની કમિટીમાં સૌથી મોટો નિર્ણય ડોર ટુ ડોર કચરા અંગે કરવામાં આવ્યો છે, જામનગર શહેરમાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાના કામનો પેચ ઘણા સમયથી અટવાયેલ હતો તે અંગે પણ આજે નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે એજન્ડામાં 9 નંબર પર જુદા જુદા વાહનો દ્વારા શિફ્ટ આધરિત ગાર્બેજ કલેક્શનનું કામ બે અલગ અલગ પાર્ટીઓને અલગ અલગ ઝોન એટલે કે વોર્ડ નંબર 1 થી 8 અને 9 થી 16 માટે આપવાનું મંજુર કરવામાં આવ્યું છે.
આ કામ માટે કોન્ટ્રાક્ટરને 5 વર્ષનો કોન્ટ્રાક્ટ રૂ. 280 કરોડમાં આપવામાં આવ્યો છે. આ કોન્ટ્રાકટથી અત્યારે શહેરમાંથી કચરો એકત્ર કરવાની કામગીરીઓમાં કોન્ટ્રાક્ટરને કચરાના વજનના બદલામાં નાણાં આપવામાં આવે છે. હવે નવા પંચવર્ષીય કોન્ટ્રાક્ટમાં કોન્ટ્રાક્ટરને નાણાંની ચૂકવણી કચરાના વાહનની શિફ્ટ મુજબ આપવામાં આવશે, એવો એક નવો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે આજે જે બે કોન્ટ્રાકટરોની દરખાસ્ત મંજુર થઇ છે તેણે આગામી કેટલાક દિવસોમાં અલગ અલગ પ્રકારના તદન નવા વાહનો ડોર ટુ ડોર કામગીરી માટે મુકવાના રહેશે. પરિણામે શહેરમાં હાલ જે કચરો એકત્ર કરતી ભંગાર ગાડીઓ જોવા મળે છે તેની વિદાય થશે.
ઉપરાંત આજની કમિટીમાં એરપોર્ટ ગેઈટથી ખંભાળિયા હાઈવેને જોડતા રોડને રિલાયન્સ દ્વારા ડેવલોપ અને બ્યુટીફીકેશન કામ માટે સૈધાંતિક સ્વીકાર ઉપરાંત હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણી માટે અગાઉની જેમ વધુ એક વખત 45 લાખનો ખર્ચ અને અલગ અલગ રોડ રસ્તાના પેચવર્ક ચરેડા સહિતના કામો માટે અલગ અલગ ખર્ચ મજુર કરવામાં આવ્યો છે આમ કુલ મલીને આજની કમિટીમા 313 કરોડના કામોને બહાલી આપવામાં આવી છે.