Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાત સરકારે આજે ગુરૂવારે સવારે રાજ્યની જામનગર સહિતની 8 મહાનગરપાલિકાઓ અને કેટલીક નગરપાલિકાઓને તેમના વિસ્તારોમાં સર્વાંગી વિકાસકામો માટે કુલ રૂ. 2,111 કરોડની ફાળવણી કરી છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ મહાનગરપાલિકાને રૂ. 148 કરોડ, ભાવનગર મહાનગરપાલિકાને રૂ. 69 કરોડ અને જામનગર મહાનગરપાલિકાને રૂ. 66 કરોડના ચેક આપવામાં આવ્યા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ ચેક વિતરણ થયું. જેમાં જામનગર મહાનગરપાલિકા વતી મેયર વિનોદ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્ના સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેષ કગથરા, કમિશનર ડી.એન.મોદી તથા શાસકજૂથ નેતા આશિષ જોષી અને દંડક કેતન નાખવાએ આ ચેક સ્વીકાર્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, ગત્ 6 જૂને ચૂંટણી આચારસંહિતા હટી ગઈ છે અને હવે સરકારે નાણાંની ફાળવણી પણ કરી દીધી હોય, જામનગરમાં પ્રાથમિક કામો તથા વિકાસકામોમાં આથી નવી ગતિશીલતા આવશે.