Mysamachar.in-જામનગર:
જામનગર શહેર પાછલાં વીસેક વર્ષ દરમિયાન ઘણું મોટું બન્યુ અને હાલ પણ વિસ્તરી રહ્યું છે, વસતિ- વિસ્તાર અને વાહનોની સંખ્યા એમ બધું જ વધી રહ્યું છે પરંતુ વાહનવ્યવહાર માટેનું ટ્રાફિક નિયમન, નિયંત્રણ અને વાહન પાર્કિંગ જેવા મહત્ત્વના વિષયમાં કશું નવું થતું હોય- એવું કયાંય, કશું દેખાઈ રહ્યુ નથી ! જેને પરિણામે આ વિષયમાં જંગલરાજ જેવી સ્થિતિઓ જોવા મળી રહી છે.
ત્રણેક વર્ષ અગાઉ કેન્દ્ર સરકારના પ્લાન મુજબ, ગુજરાતના છઠ્ઠા નંબરના મોટા શહેર જામનગરમાં હવે પાર્કિંગ પોલિસી દાખલ કરવી જોઈએ એવી ડહાપણની દાઢ મહાનગરપાલિકાને ઉગી નીકળી હતી. પરંતુ આ દાઢનો દુ:ખાવો સહન ન કરી શકનાર મહાનગરપાલિકાએ ખુદે, પોતાની આ યોજના જાણે કે અભેરાઈ પર ચડાવી દીધી હોય એમ દેખાઈ રહ્યુ છે.

ત્રણેક વર્ષ અગાઉ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ પાર્કિંગ પોલિસીના અમલ માટે કમર કસી હતી. પછી અમલમાં એવી ભલામણો દાખલ કરી કે, નવી પોલિસી અમલમાં આવે કે ન આવે, શહેરમાં પાર્કિંગ મુદ્દે કોઈ જ ફેર ન પડે. આ ભલામણો સાથે આ પોલિસી જેતે સમયે મંજૂર થવા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં મૂકવામાં આવી. કમિટીની ભલામણો પર મંજૂરીની મહોર લાગી ગઈ અને કયાંય, કશો ફેર પડ્યો નહીં, શહેર અગાઉની માફક જ ટ્રાફિક સમસ્યાઓ અને પાર્કિંગ પોલિસી બાબતે, હતું એવું જ રહ્યુ. ઉલટાનું વસતિ તથા વાહનો વધતા સ્થિતિઓ વધુ કફોડી થઈ ગઈ.
સરકારે પાર્કિંગ પોલિસી મામલે જે ગેઝેટ બહાર પાડ્યું તેમાં સરસ ઉપાયો દેખાડવામાં આવ્યા છે. પરંતુ શહેરની ભૌગોલિક પરિસ્થિતિઓ આગળ ધરી મહાનગરપાલિકાએ આ નવી પોલિસીના દાંત અને નખ કાઢી લીધાં. અમલની રગડધગડ જાહેરાત થઈ અને કોઈ જ અમલ થયો નથી, થતો નથી. શહેરમાં paid પાર્કિંગ પ્લોટ બનાવવાની વાત હતી પણ તે નામંજૂર કરી દેવામાં આવી. આટલાં વર્ષ દરમિયાન શહેરમાં પાર્કિંગ બાબતે કોઈ જ સુચારુ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી નથી.

શહેરમાં બધી જ જગ્યાઓ પર વાહનોના આડેધડ ખડકલા હોય છે. જેને પરિણામે હજારો નગરજનોને તથા વાહનચાલકોને હાલાકીઓ વેઠવી પડે છે. ઝઘડા થાય છે. શહેરમાં વાહનોની સંખ્યા વધતી રહી, પાર્કિંગની જગ્યાઓ ઘટતી રહી. રોડ પરની ઈમારતોના મકાનો, દુકાનો અને ઓફિસોના ધારકોના હજારો વાહનો રસ્તાઓ પર રાખવા પડે છે. લોકો ટોઈંગ વિભાગની દાદાગીરી સહન કરે છે, લૂંટાઈ પણ રહ્યા છે !
ગુજરાત સરકાર અને રાજ્યની વડી અદાલત સમગ્ર રાજ્યમાં વાહનોના પાર્કિંગ મુદ્દે ચિંતાઓ કરતા રહે છે પણ જામનગર સહિતના મહાનગરોમાં સ્થાનિક કક્ષાએ કયાંય, કશો ફરક પડતો નથી, જંગલરાજ વધુ બિહામણું થતું જાય છે. નવી પાર્કિંગ પોલિસીની 3 વર્ષ અગાઉ વાતો કરનાર મહાનગરપાલિકા અને પોલીસ વિભાગે સંયુક્ત રીતે કમ સે કમ હવે શહેરમાં પાર્કિંગ સમસ્યાઓ અંગે કશુંક વિચારવું જોઈએ- એવી લાગણીઓ હજારો નગરજનો વ્યક્ત કરી રહ્યા છે. પણ પ્રશ્ન એ છે કે, નગરજનોની લાગણીઓ પ્રત્યે ધ્યાન આપનારૂં શહેરમાં કોઈ છે ખરૂં ?!…મોટો સવાલ આ છે.
