Mysamachar.in-જામનગર:
જામનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી ધારાસભ્ય બન્યા પછી પોતાના પ્રથમ તેમજ બીજા જન્મદિવસે સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ કુપોષણથી સુપોષણ અભિયાન અંતર્ગત આંગણવાડીના 500 કુપોષિત બાળકોને દત્તક લઇ સુપોષિત કરી દેવાયા પછી તેમજ 2000 થી વધુ બહેનોની બ્રેસ્ટ કેન્સરની જાગૃતિ સંદર્ભે મેમોગ્રાફીની કાર્યવાહી બાદ આ વખતે 14 જાન્યુઆરીએ ત્રીજા જન્મદિવસની ઉજવણી વિવિધ પાંચ સેવા પ્રકલ્પો સાથે કરવામાં આવી હતી.
જેમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, શહેર ભાજપ પ્રમુખ, મેયર, ડેપ્યુટી મેયર પૂર્વ સાંસદ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, તેઓની ઉપસ્થિતિમાં વધુ 108 બાકી રહેલા કુપોષિત બાળકોને દત્તક લેવાયા હતા, બહેનોમાં બ્રેષ્ટ કેન્સરની જાગૃતિ માટે 2000 થી વધુ મેમોગ્રાફી-સ્ક્રીનીંગ સહિતના સેવા પ્રકલ્પને વધુ આગળ ધપાવાયો હતો, ઉપરાંત શહેરની 251 નાની દીકરીઓને સર્વાઇકલ કેન્સર માટેની વેકશીન ની કાર્યવાહી ઉપરાંત જામનગર શહેરમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો, તેમજ નગરના ઉત્સાહી રક્તદાતાઓની મદદથી 680 બોટલ રક્ત એકત્ર થયું હતું, જે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલની બ્લડ બેન્કમાં દર્દીઓના ઉપયોગ માટે જમા કરાવવામાં આવ્યું છે.
સર્વપ્રથમ ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ પ્લાસ્ટિક મુક્ત અભિયાનનો પ્રારંભ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા તેમજ જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો, અને લોકો પ્લાસ્ટિકની બેગ નો ઉપયોગ છોડીને તે સિવાય કપડાં સહિતની અન્ય બેગનો ઉપયોગ કરે, તે માટે વિશેષ પ્રકારની 15000 જેટલી બેગ ધારાસભ્ય દ્વારા તૈયાર કરાઈ હતી, અને તેનું વિતરણ શરૂ કરાયું હતું. ત્યારબાદ રણજીતનગર વિસ્તારમાં બાપા સીતારામની મઢુલી આસપાસના વિસ્તારના શાકભાજીના વિક્રેતાઓ તેમજ અન્ય વેપારીઓ વગેરેને પ્લાસ્ટિકને બદલે કાપડની બેગ ગ્રાહકોને આપવા માટે નું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત 79-વિધાનસભા વિસ્તારમાં આવેલી જુદી જુદી આંગણવાડીના બાકી રહેલા 108 કુપોષિત બાળકોને પણ દત્તક લેવાયા હતા, અને તમામ બાળકોને સુપોષિત કરવાની ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા જવાબદારી સ્વીકારવામાં આવી હતી, અને તેઓને જરૂરી આરોગ્ય લક્ષી સુપોષણ કીટનું વિતરણ કરાયું હતું.
આ ઉપરાંત જામનગર શહેરના બહેનોમાં બ્રેસ્ટ કેન્સર પ્રત્યે જાગૃતિ આવે, તે સંદર્ભમાં નગરના 2000 થી વધુ બહેનોના મેમોગ્રાફી- સ્ક્રીનિંગ સહિતનો પ્રકલ્પ ગત વર્ષ થી શરૂ કરાયો હતો, જેને આ વખતે પણ વધુ વેગવંતો બનાવાયો છે. જેમાં પણ વધુ ને વધુ બહેનો જોડાઈ ને જાગૃતિ દાખવી છે, ઉપરાંત જન સંપર્ક કાર્યાલયમાં રજીસ્ટ્રેશનની પ્રક્રિયા અવીરત ચાલુ રખાઇ છે. શહેરની નાની દીકરીઓ માટેના સર્વાઇકલ કેન્સરની પણ ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા ચિંતા કરવામાં આવી હતી, અને શહેરની ૨૫૧ નાની દીકરીઓને પણ દત્તક લઈ તેઓના વેકસીનેશનની પ્રક્રિયા નું અભિયાન પણ આજના દિવસે હાથ ધરી લેવામાં આવ્યું હતું.
ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી કે જેઓ ધારાસભ્ય બન્યા પછી ગઈકાલે 14 મી જાન્યુઆરીને મકરસંક્રાંતિના પર્વના દિવસે ત્રીજો જન્મદિવસ પાંચ વિવિધ સેવા પ્રકલ્પોની સાથે ઉજવવામાં આવ્યો હતો. આ વિશેષ રૂપે જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે જામનગરના રણજીત નગર વિસ્તારમાં આવેલા લેઉવા પટેલ સમાજમાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા ઉપસ્થિત રહ્યા હતા, તેઓની સાથે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જામનગર શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, જામનગર જિલ્લા ભાજપના અધ્યક્ષ રમેશભાઈ મુંગરા, નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા, જામનગર શહેર ભાજપના મહામંત્રી પ્રકાશભાઈ બાંભણીયા, વિજયસિંહ જેઠવા મેરામણભાઇ ભાટુ, જિલ્લા ભાજપના મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, જિલ્લા ભાજપના અગ્રણી વિનોદભાઈ ભંડેરી, નગરના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, શાસક જૂથના નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઇ નાખવા, જામનગર શહેર જિલ્લાના પૂર્વ ધારાસભ્યો, નગરના પૂર્વ મેયરઓ, ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખઓ, ડિસ્ટ્રીક કો. ઓપરેટિવ બેન્કના ચેરમેન જીતુભાઈ લાલ, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઇ પટેલ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, રણજીત નગર વેપારી મહામંડળના હોદ્દેદારો, શહેર ભાજપ સંગઠનના હોદેદારો, અલગ અલગ વોર્ડ ના કોર્પોરેટરઓ, શહેર ભાજપના તમામ વોર્ડ પ્રમુખ તથા કાર્યકર્તાઓ, તેમજ વિવિધ જ્ઞાતિના આગેવાનો, વેપારીઓ સમાજના અન્ય શ્રેષ્ઠીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, અને ધારાસભ્ય દિવ્યેશભાઈને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.