Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લામાં ગઈકાલે રવિવારે, વરસાદી વાતાવરણ વચ્ચે, કુલ 187 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં નોંધપાત્ર મતદાન થયું છે. રવિવારે રાત્રે દસેક વાગ્યે ચૂંટણીતંત્રએ જાહેર કરેલાં મતદાનના અંદાજિત આંકડા મુજબ, જિલ્લામાં પુરૂષોનું મતદાન સારૂં રહ્યું છે. જેની સામે મહિલાઓનું મતદાન સાતેક ટકા જેટલું ઓછું રહ્યું. મતદાન દરમ્યાન સમગ્ર જિલ્લામાં વાતાવરણ શાંતિપૂર્ણ રહ્યું હતું. કોઈ જ નોંધનીય અનિચ્છનીય બનાવ નોંધાયો નથી. ગ્રામ્ય વિસ્તારોના લોકોએ એકંદરે આ ચૂંટણીઓ એકદમ સ્થાનિક હોવાથી મતદાનમાં ઉમંગ દેખાડયો હતો. સમગ્ર જિલ્લામાં ચૂંટણીઓ સંબંધે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
રવિવારે મતદાનના દિવસે ખાસ કરીને, સવારે 9 થી 11 અને બપોરે 1 થી 3 દરમ્યાન નોંધપાત્ર મતદાન નોંધાયું હતું. બાકીના સમયમાં સામાન્ય મતદાન થયું હતું. જેને કારણે સમગ્ર મતદાન 90-95 ટકા જેટલું બમ્પર નોંધાયુ નહીં. પરંતુ પુરૂષોમાં આ મતદાન 80 ટકાના આંકડા તરફ આગળ વધ્યું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 65 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ હતી. જેમાં અંદાજિત 75.44 ટકા મતદાન નોંધાયું હતું. હાલારના બંને જિલ્લાઓમાં બહારગામ રહેતાં મતદારો અને મોટી વયના મતદારોએ પણ મતદાનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. પોલીસ, હોમગાર્ડ અને ચૂંટણીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ મતદારોને મતદાનમાં જરૂરી સહયોગ અને માર્ગદર્શન પૂરા પાડ્યા હતાં. આગામી 25મી એ એટલે કે બુધવારે આ ચૂંટણીઓની મતગણતરીઓ થશે. જામનગર જિલ્લામાં મુખ્ય ચૂંટણી અધિકારી (કલેક્ટર) કેતન ઠક્કર અને એસપી પ્રેમસુખ ડેલુની દેખરેખ હેઠળ આ ચૂંટણીઓ શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્વકના વાતાવરણમાં સંપન્ન થઈ છે