Mysamachar.in: જામનગર
જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં એક સમયે બીજેપીની સરખામણીએ કોંગ્રેસનો વોટશેર સારો રહ્યો હતો પરંતુ નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાનપદના ઉમેદવાર બનતાં જ બીજેપી અને કોંગ્રેસના વોટશેરમાં મોટી ઉથલપાથલ મચી. અને બીજેપીનો વોટશેર સડસડાટ એટલો આગળ નીકળી ગયો કે, કોંગ્રેસ ખૂબ જ પાછળ રહી ગઈ. આ વખતે 2024માં શું થશે ? જામનગર લોકસભા અંતર્ગતની સાતેય વિધાનસભા બેઠક પર મતદાન ઘટ્યું છે. જો કે અગાઉ કરતાં મતદારો વધી ગયા હોય, મતદાન તો સારૂં થયું જ છે. આમ છતાં લાખો મતદારો મતદાનથી દૂર રહ્યા. તેઓની નારાજગીઓ કઈ બાબતે છે, એ પણ સંશોધનનો વિષય લેખાવી શકાય.
2004માં કેન્દ્રમાં કોંગ્રેસ આગેવાની હેઠળની યુપીએ સરકાર બની હતી. જેના મુખિયા મનમોહનસિંહ રહ્યા હતાં. આ ચૂંટણીમાં જામનગર લોકસભા બેઠક પર કોંગ્રેસને 47.17 ટકા મત મળેલ હતાં. બીજેપીને થોડાંક જ ઓછાં 45.88 ટકા મત મળેલ. ત્યારબાદ 2009માં પણ ફરી મનમોહન સરકાર બની. એ ચૂંટણીમાં જામનગર લોકસભા બેઠક પર કોંગ્રેસને 47.33 ટકા મત મળેલ અને બીજેપીનો વોટશેર ઘટીને માત્ર 42.88 ટકા રહ્યો હતો.
ત્યારબાદ, 2014ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની એન્ટ્રી થતાં જ મોટો ઉલટફેર થયો. જામનગર લોકસભા બેઠક પર બીજેપી 57.05 ટકા મત ઉસેડી ગઈ અને કોંગ્રેસ માત્ર 36.40 ટકા વોટશેર મેળવી શકી. 2019માં પણ એમ જ થયું. મોદી જાદુ ફરીથી ચાલી જતાં બીજેપીને આ ચૂંટણીમાં પણ 58.52 ટકા મત મળી ગયા અને કોંગ્રેસનો જનાધાર સંકોચાઈ માત્ર 35.09 ટકા થઈ ગયો.
હાલની 2024ની ચૂંટણીમાં જામનગર લોકસભા બેઠક પર ત્રીજી વખત મોદીજાદુ ચાલ્યો કે કેમ, તે આવતીકાલે ખબર પડી જશે. નોંધનીય બાબત એ છે કે કુલ મતદારો પૈકી લાખો મતદારો આ ચૂંટણીમાં મતદાનથી દૂર રહ્યા. તેઓને પોતાના પ્રતિનિધિ ચૂંટવામાં પણ રસ નથી. કદાચ, તેઓને આ ચૂંટણી પ્રક્રિયાઓ કે રાજકારણમાં જ રસ નથી. મતદાનની આટલી અપીલો પછી પણ તેઓ મત આપવા ઘરની બહાર ગયા જ નહીં. જામનગર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ બધી જ વિધાનસભાના મતવિસ્તારોમાં મતદાન પ્રત્યે લોકોમાં ઉદાસીનતા જોવા મળી. 2019નો ઉત્સાહ 2024માં ન દેખાયો.
2024માં જામનગર લોકસભા બેઠક પૈકીની જામનગર ઉત્તર વિધાનસભા બેઠકના વિસ્તારમાં મતદાન સૌથી વધુ 4.51 ટકા ઘટી ગયું. તે પછી બીજા ક્રમે મોટો ઘટાડો જામનગર ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારમાં 4.35 ટકા રહ્યો. જામનગર દક્ષિણ વિધાનસભા મતવિસ્તારમાં પણ 3.99 ટકા જેટલું ઓછું મતદાન થયું. એ જ રીતે, દ્વારકા કલ્યાણપુર વિધાનસભા મતવિસ્તારમાં 2.71 ટકા ઓછું મતદાન થયું. ખંભાળિયા મતવિસ્તારમાં પણ મતદાનમાં 2.59 ટકાનો ઘટાડો થયો. વિપક્ષના વર્ચસ્વવાળી જામજોધપુર વિધાનસભા બેઠકના વિસ્તારમાં પણ મતદાનમાં 2.10 ટકાનો ઘટાડો રહ્યો. એ જ રીતે કાલાવડ વિધાનસભા મતવિસ્તારમાં પણ મતદાન ઘટ્યું. આ ઘટાડો 1.21 ટકા રહ્યો. આમ સમગ્ર ગુજરાતના ટ્રેન્ડ મુજબ જામનગર લોકસભા બેઠક પર પણ મતદારોનો ઉત્સાહ ઘટેલો નજર આવ્યો. આ સ્થિતિ વચ્ચે હવે આવતીકાલે ચોથી જૂને મતગણતરીઓ થશે.