Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
સમગ્ર ગુજરાતની સરખામણીએ જામનગર લોકસભા મતવિસ્તારોમાં મતદાન પ્રમાણમાં ઓછું થાય છે. એમાં પણ મહિલા મતદારોમાં મતદાન ઘણું ઓછું રહે છે. મહિલાઓની આ ઉદાસીનતા રાજકીય પક્ષો માટે કાયમ ચિંતાનો વિષય રહે છે. ગત્ લોકસભા ચૂંટણીઓમાં જામનગર લોકસભા બેઠકના જામનગર ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારમાં સૌથી વધુ મતદાન થયેલું, જ્યારે સૌથી ઓછું મતદાન દ્વારકા વિધાનસભા મતવિસ્તારમાં નોંધાયું હતું.
2014 માં લોકસભા ચૂંટણીઓ વખતે કાલાવડ વિધાનસભા મત વિસ્તારમાં પુરૂષોનું મતદાન 62.37 અને મહિલાઓનું મતદાન 51. 25 ટકા રહેલું. જામનગર ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓનું મતદાન 56.08 ટકા રહેલું. જામનગર ઉત્તર બેઠક પર મહિલાઓનું મતદાન 57.46 ટકા રહેલું જે પુરૂષોની સરખામણીએ 8 ટકા જેટલું ઓછું હતું. જામનગર દક્ષિણ મત વિસ્તારમાં પણ મહિલાઓનું મતદાન 57.97 ટકા જ રહેલું જે પણ પુરૂષોની સરખામણીએ 11 ટકા જેટલું ઓછું રહેલું. જામજોધપુર બેઠક પર તો માત્ર 51.70 ટકા મહિલાઓએ જ મતદાન કરેલું. ખંભાળિયા બેઠક પર તો મહિલાઓ મતદાન માટે બહાર જ ન નીકળયા હોય એમ માત્ર 49.01 ટકા મતદાન થયું. જયારે દ્વારકા મત વિસ્તારમાં 44.13 ટકા મહિલાઓએ જ મતદાનમાં રસ દેખાડયો. 2019માં પણ સાતેય વિધાનસભા મત વિસ્તારમાં મહિલાઓએ સરેરાશ મતદાન માત્ર 55.92 ટકા જેટલું જ કર્યું. લાખો મહિલા મતદારો મતદાન પ્રત્યે ભારે ઉદાસીન રહે છે. 2019માં 2014ની સરખામણીએ સમગ્ર બેઠકનું કુલ મતદાન વધવા છતાં પણ મહિલાઓના મતદાનમાં બહુ ઉછાળો દેખાયો ન હતો.
2019માં 2014ની સરખામણીએ સમગ્ર જામનગર લોકસભા બેઠકનું સરેરાશ મતદાન જો કે વધેલું આમ છતાં દ્વારકા વિધાનસભા મત વિસ્તારમાં નોંધપાત્ર મતદાન થયું જ નહીં. બે જિલ્લાની કુલ 7 વિધાનસભા બેઠક પૈકી એક માત્ર જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર કાંઈક નોંધપાત્ર મતદાન 65.13 ટકા (પુરૂષ અને મહિલાઓ) થયું. મતદાનમાં બીજા ક્રમે જામનગર ઉત્તર બેઠક રહેલી જ્યાં 63.63 ટકા મતદાન થયેલું. ત્રીજા ક્રમે જામનગર દક્ષિણ બેઠક હતી જ્યાં 63.11 ટકા મતદાન થયું હતું. બાકીની 4 બેઠકો પર ઓછું મતદાન થયું. સૌથી ઓછું મતદાન દ્વારકા બેઠક પર 56.10 ટકા થયું હતું. કાલાવડ બેઠક પર 58.90 ટકા મતદાન રહેલું. અને, 2014 કરતાં મતદાનમાં ઉછાળો છતાં, જામજોધપુર અને ખંભાળિયા બેઠકો પર ખાસ મતદાન થયું નહીં, આ બેઠકો પર 59.76 ટકા અને 59.19 ટકા મતદાન માંડમાંડ થયેલું. આમ, જામનગર લોકસભા ચૂંટણીઓમાં લાખો મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરતાં જ નથી.
જામનગર સંસદીય મત વિસ્તારમાં 2019માં કુલ મતદારો 16,56,006 હતાં જે પૈકી માત્ર 10,04,782 મતદારોએ જ મતદાનમાં ભાગ લીધો. 2014 કરતાં 2019 માં મતદાનમાં ઉત્સાહ છતાં, 6,51,224 મતદારોએ મતદાન ન કરી, ચૂંટણીઓ પ્રત્યે ઉદાસીનતા દાખવી હતી. રાજકીય પક્ષો તથા સરકારી તંત્રો લોકોને મતદાન કરવા માટે શપથ લેવડાવવા સહિતના જનજાગૃતિ માટેના કાર્યક્રમ અને ઝુંબેશ ચલાવતા હોય છે છતાં સાડા છ લાખથી વધુ મતદારો મતદાનથી દૂર રહે એ આંકડો નાનો નથી. આ એક પ્રકારનું અચરજ છે.
ઘણાં લોકો એમ પણ કહેતાં હોય છે કે, અમુક મતદારોને મત આપવાના તથા અમુક મતદારોને મત ન આપવાના પણ નાણાં મળતાં હોય છે. મતદારોની ઉદાસીનતા પાછળ અનેક કારણો હોય છે, જેમાંના કેટલાંક કારણો જાણીતાં હોય છે અને કેટલાંક કારણો રહસ્યમય પણ હોય છે. આ વખતે ઘણાં વરસો બાદ આહિર અને પાટીદાર ઉમેદવારો વચ્ચેનો જંગ હોય, શક્ય છે મતદાન વધુ પણ થઈ શકે. અગાઉ પાટીદાર ઉમેદવાર જો કે જિતી શક્યા ન હતાં પરંતુ આહિર ઉમેદવાર સામે પુષ્કળ મતો મેળવી શક્યા હતાં. જો કે, છેલ્લા 20 વર્ષથી તો જામનગર લોકસભા બેઠક પર આહિર ઉમેદવારનો જ દબદબો રહ્યો છે, કોંગ્રેસ હોય કે ભાજપા. આ વખતે ?? સર્વત્ર આ સંવેદનશીલ પ્રશ્નની ચર્ચાઓ થઈ રહી છે.(તસ્વીર પ્રતીકાત્મક છે)