Mysamachar.in-
જામનગરમાં 7 વર્ષ અગાઉ સરાજાહેર એક વકીલની કરપીણ હત્યા નિપજાવવામાં આવેલી. બહુ જ ક્રૂર રીતે હત્યારાએ વકીલને છરીના પુષ્કળ ઘા મારી રહેંસી નાખ્યા હતા, અને જેતે સમયે આ મામલો સમગ્ર રાજ્યમાં સનસનાટી સર્જનાર પૂરવાર થયો હતો. આ મામલો હમણાં રાજ્યની વડી અદાલતમાં છે કેમ કે, આ કેસના 3 સાક્ષીઓ અદાલતમાં ગયા. પરંતુ અદાલતે આ સાક્ષીઓને દંડ ફટકાર્યો છે.
રાજ્યની વડી અદાલત ત્યાં સુધી બોલી કે, આ મામલામાં આરોપીએ બેકડોર કંટ્રોલ મેળવી લઈ સાક્ષીઓ પર ‘અસર’ પાડવાનો પ્રયાસ કર્યો છે. અદાલતે આ 3 સાક્ષીઓને રૂ. 1-1 લાખનો દંડ ફટકારતા આ મામલો ફરી ચર્ચાઓના સેન્ટર સ્ટેજમાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, 2018ની સાલમાં એક સાંજ જામનગરના વકીલ કિરીટ જોષી માટે ગોઝારી સાબિત થઈ હતી. આ વકીલ પોતાની ઓફિસથી નીચે રોડ પર આવ્યા ત્યાં જ, બે શખ્સો મોટરસાયકલ પર ધસી આવ્યા, એક શખ્સે મોટરસાયકલ ચાલુની સ્થિતિમાં વકીલ નજીક ઉભું રાખેલું અને બીજા શખ્સે ઉપરાઉપરી છરીના ઘા ઝીંકી વકીલના રામ રમાડી દીધાં હતાં અને શહેરમાંથી અદ્રશ્ય પણ થઈ ગયા હતાં. ઘણાં લાંબા સમય બાદ આ બે હત્યારા અને ‘સોપારી’ લેનાર એમ ત્રણ હત્યારા છેક પૂર્વ ભારતમાંથી ઝડપાયા- એવું જેતે સમયે પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલું. આ લાંબા સમય સુધી હત્યારાઓએ ક્યાં આશ્રય મેળવેલો? તે બાબત અંગે પણ ઘણી વિગતો પોલીસે જાહેર કરેલી.

આ વકીલ મર્ડર કેસના સાક્ષીઓ પૈકી કમલેશ પટેલ- દિનેશ ઠક્કર અને સતીષ શાહ તાજેતરમાં, સાત વર્ષ બાદ, વડી અદાલતમાં પહોંચી ગયા. તેમણે વડી અદાલતમાં કહ્યું: અમારાં નામો આ કેસના ચાર્જશીટમાંથી દૂર કરવામાં આવે. આ સાક્ષીઓએ વડી અદાલતમાં એમ પણ કહ્યું કે, અમે કયારેય સાક્ષીઓ તરીકે આ મામલામાં પોલીસ સમક્ષ નિવેદન આપ્યું નથી. અને આ ચાર્જશીટમાં અમારાં નામો સાક્ષીઓ તરીકે ‘ખોટી રીતે’ લખવામાં આવ્યા છે.
વડી અદાલતે આ સાક્ષીઓની વાતને સ્વીકારી નથી. ઉલટું એમ કહ્યું કે, તમે આ વાત વડી અદાલત સમક્ષ રજૂ કરી શકો નહીં, આ માટે તમારે યોગ્ય પ્રક્રિયાઓ અનુસરી ટ્રાયલ કોર્ટ સમક્ષ જવું જોઈએ. વડી અદાલતે કહ્યું કે, આ બાબત ( સાક્ષીઓનુ આ વર્તન)સ્પષ્ટ રીતે દર્શાવે છે કે, આરોપી વ્યક્તિ સાક્ષીઓને ‘જિતી’ લેવાનો પ્રયાસ કરી રહી છે. એક તરફ આ કેસનો મુખ્ય આરોપી તપાસ એજન્સીઓને સહકાર આપતો નથી, વિદેશ ભાગી ગયો છે, સાક્ષીઓનો સંપર્ક કરી રહ્યો છે અને બીજી તરફ સાક્ષીઓ બનાવના લાંબા સમય બાદ આ પ્રકારની બેઝલેસ પિટિશન અદાલતમાં દાખલ કરી રહ્યા છે અને આ સાક્ષીઓ અદાલતને એ પણ જણાવી રહ્યા નથી કે, આ સાક્ષીઓએ પોલીસ સમક્ષ જે નિવેદન આપ્યા છે તે નિવેદન આ ચાર્જશીટમાં છે એવી માહિતીઓ આ સાક્ષીઓને કેવી રીતે મળી ?
વડી અદાલતે આ મામલામાં એમ પણ કહ્યું કે, કોઈપણ લીટીગેશનમાં સંજોગો શંકાસ્પદ હોય અને સ્પષ્ટ રીતે એમ સમજાઈ રહ્યું હોય કે, સંબંધિત મામલામાં આરોપીએ બેકડોર કંટ્રોલ મેળવી લીધો હોય એવી સ્થિતિમાં આ અદાલત પોતાની ખાસ સતાનો ઉપયોગ કરવા ઈચ્છી શકે નહીં.
અદાલતે વધુમાં કહ્યું: તટસ્થ અદાલતી કાર્યવાહીઓ માટે સાક્ષીઓને રક્ષણ મળી રહેવું જોઈએ, તેમણે એટલે કે સાક્ષીઓએ ફેરવી તોળવું પણ ન જોઈએ. અને તેથી અદાલતે બે લાઈનની વચ્ચેનું પણ વાંચવું જોઈએ. અને આવી તુચ્છ અરજીઓને નિયંત્રિત કરવી જોઈએ. આ મામલામાં વડી અદાલતે આ ત્રણેય સાક્ષીઓને રૂ. 1-1 લાખનો દંડ ફટકાર્યો છે.(પ્રતીકાત્મક તસ્વીર)
