Mysamachar.in:જામનગર:
રાજ્યના ગ્રામ્ય વિસ્તારોને સાંકળતા ધોરીમાર્ગ સહિતના રસ્તાઓ માટે આપણને એશિયન બેંક દ્વારા રૂ. 500 કરોડની લોન આપવામાં આવી છે અને ટૂંક સમયમાં રાજ્યભરમાં ગ્રામ્ય વિસ્તારોને જોડતાં રસ્તાઓ ટનાટન બનાવવામાં આવશે, એવી જાહેરાત લોકસભા ચૂંટણીઓની જાહેરાત પહેલાંના દિવસોમાં પ્રચાર પ્રસાર માધ્યમોમાં કરી-કરાવીને મુખ્યમંત્રી કાર્યાલયે ‘વાહવાહી’ મેળવવા પ્રયાસ કર્યો હતો અને આ અહેવાલોના આધારે સ્થાનિક સ્તરે પણ જાહેરાતને ફુલડે વધાવવાની કસરતો થયેલી, પણ પછી શું ?! આ પ્રશ્ન લોકોની ચર્ચાઓમાં છે.
જામનગર જિલ્લામાં ઘણાં ગ્રામ્ય વિસ્તારોના હજારો નાગરિકો બિસ્માર રસ્તાઓ મામલે લાંબા સમયથી પરેશાન છે. ચૂંટણીઓ આવે અને જતી રહે છે. વચનો અને આશ્વાસનો હવામાં ઘૂમરાતા રહે છે. આવો જ એક રોડ છે જામનગર અને ખટીયા(સમાણા થઈ જામજોધપુર તરફનો રોડ)ને જોડતો રસ્તો. અંદાજે 32-35 કિલોમીટરનો જામનગર-ખટીયા માર્ગ લાંબા સમયથી અતિશય બિસ્માર હાલતમાં છે. આ રસ્તા પર દૈનિક ધોરણે હજારો વાહનો અવરજવર કરે છે, એસટી સહિતના સરકારી વાહનોને પણ આ ભંગાર રોડને કારણે નુકસાન થઈ રહ્યું છે. આ રોડ પર એટલાં બધાં ખાડા છે કે વાહનચાલક આ સીંગલ પટ્ટી રોડ પર ખાડા તારવી વાહન ચલાવી જ ન શકે. આ માર્ગ પર અવારનવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે, લોકોની જિંદગીઓનો ભોગ લેવાઈ રહ્યો છે, રાતદિવસ ભારે વાહનો સહિતના વાહનો આ રસ્તા પર અવરજવર કરે છે, આમ છતાં જવાબદાર તંત્ર આ ભંગાર રોડ મામલે જાણે કે ઉંઘમાં હોય એવો તાલ છે.

આ રસ્તો જામનગર સૈન્યના સમાણા મથકને પણ જોડે છે. જામનગર જિલ્લામથક અને જામજોધપુર તાલુકામથકને જોડતો આ મહત્વપુર્ણ રસ્તો ક્યારે નવનિર્માણ પામશે ? એવો પ્રશ્ન લોકો પૂછી રહ્યા છે. આગામી દિવસોમાં ચોમાસું શરૂ થઈ રહ્યું હોય, તાકીદે આ માર્ગ નવો અને મજબૂત તથા સુંદર બનાવવા તંત્રએ આળસ ખંખેરવી જોઈએ એવો લોકોનો આગ્રહ અને રોષ છે.
