Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાના કાલાવડ નજીક આવેલ સુપ્રસિદ્ધ રણુજાધામ ખાતે વર્ષોની પરંપરા મુજબ ગઈ કાલ થી નોમ, દશમ અને અગિયારસ એમ ત્રણ દિવસ ભવ્ય લોકમેળાનો પ્રારંભ જામનગર સાંસદ પૂનમબેન માડમે કરાવ્યો ત્યારે આરએસએસના ભાનુભાઇ પટેલ અને વોડીસાંગ- રણુંજા ગામના સરપંચ દીપક વસોયા, ઉપસરપંચ જગદીશ ભંડેરી તેમજ કાલાવડ તાલુકાના મામલતદાર રેવર અને સ્થાનિક પત્રકાર રાજુભાઈ રામોલીયાની પણ ઉપસ્થિતિ રહી હતી.
આ મેળાની સાથો સાથ જામનગરના સાંસદ પૂનમબેન માડમની કાલાવડ ભરવાડ સમાજ અને રણુંજા ધામના ટ્રસ્ટીઓ દ્વારા સાકરતુલ્લા કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સવારે રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જે ગામમાં નગરચર્યા કરીને હિરાભગતની જગ્યામાં આવેલ રામદેવજી મહારાજના મંદીરના પટરાંગણમાં આવીને આરતી બાદ પૂર્ણાહૂતિ કરેલ હતી. સાંસદ પૂનમબેન માડમે રામદેવજી મહારાજના દર્શન કર્યા હતા. આ ત્રી દિવસીય લોકમેળામાં દિવસ દરમિયાન અવનવી રાઇડ્સ અને ખાણી પીણીની સ્ટોલ્સ પણ ઉભા કરવામાં આવ્યા છે જેનો મેળામાં આવનાર લોકો લાભ લઇ રહ્યા છે..
મેળામાં રાત્રીના રામા મંડળ કાન ગોપી, ભજન, લોક ડાયરો, કીર્તન, રાસ મંડળ સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે. કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આ મેળાને મહત્વનો મેળો ગણવામાં આવે છે અને ત્રણ દિવસ દરમિયાન આ લોક મેળામાં લાખોમાં જનમેદની ઊમટી પડશે સાથો સાથ હિરાભગતની જગ્યામાં ચા-પાણી તેમજ પ્રસાદી સ્વરૂપે ભોજનની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે.જેનો તમામ ભક્તો, ધંધાર્થીઓ, સાધુ સંતો તેમજ મેળો માણવા આવેલ તમામ લોકો લાભ લે છે.