Mysamachar.in-જામનગર:
ગાંધીજીના નામે સમગ્ર ગુજરાતમાં અમલમાં રહેલી દારૂબંધી કેટલી ખોખલી અને બેમતલબ છે- તે તો સૌ જાણે છે. બીજી તરફ સરકાર માન્ય ‘શરાબી’ હોવું આ ગુજરાતમાં ગૌરવ, મોભા અને સ્ટેટ્સનો વિષય છે, એ પણ સૌને ખબર છે. શરાબની પરમિટ આપવામાં જામનગરની સિવિલ એટલે કે જીજી હોસ્પિટલ ચિક્કાર કમાણી મેળવે છે. એટલું જ નહીં, આ કમાણીમાં જામનગર સુરત પછી બીજા નંબરે છે અમદાવાદ, વડોદરા અને રાજકોટ કરતાં નાનું શહેર હોવા છતાં પણ આ બાબત આશ્ચર્ય પમાડે તેવી નથી લાગતી…!
દારૂ પીવાની પરમિટ ‘વેચી’ સુરતે રૂ. 6.43 કરોડની આવક પ્રાપ્ત કરી. જામનગરે આ રીતે રૂ. 3.86 કરોડની આવક કરી. જામનગરમાં પરમિટ મેળવવા માટે જે 1,729 અરજીઓ થયેલી તે પૈકી માત્ર 139 એટલે કે 10 ટકા કરતાં પણ ઘણી ઓછી અરજીઓ નામંજૂર થઈ, બાકીના સૌ ‘દર્દીઓ’ને મન મોટું રાખી ગ્લાસ ભરવાની છૂટ આપી દેવામાં આવી. લાવો રૂપિયા અને ગળું કરો ભીનું આ સિસ્ટમ આખા રાજ્યમાં ધમધોકાર ચાલી પણ જામનગર એક ડગલું વધારે પડતું આગળ રહ્યું હોય તેવું આંકડાઓ પરથી લાગે છે.
-અત્યંત આધારભૂત સૂત્ર અનુસાર….
જો તમે નેતાઓ સાથે સંપર્ક ધરાવો છો અથવા સરકારી કચેરીઓ કે પોલીસ સાથેના સંપર્કો ધરાવતા વગદાર વચેટિયાઓને ઓળખો છો તો, જામ ભરી શકવાની સુવિધાઓ તમે પરમિટના રૂપમાં આરામથી મેળવી શકો છો. અને સૂત્ર તો ત્યાં સુધી કહે છે કે, દારૂની પરમિટ મેળવવા માટે તમારે તમારાં લિવરના સ્વાસ્થ્યની ખબર આપતો LFT એટલે કે, લિવર ફંકશન ટેસ્ટ કરાવવો ફરજિયાત હોય છે, જેની બાદબાકી પણ જી.જી હોસ્પીટલમાં કરી નાખવામાં આવી હોય આ બાબતમાં પણ તંત્ર ‘ઉદાર’ રહેતું હોય છે અને તમારી પાસેથી નાણાં મેળવી, સરકારની તિજોરીમાં જમા કરી, તમને પરમિટ મેળવવાપાત્ર બનાવી દેવામાં આવે છે.
-ગાંધીનગર અને મહેસાણાના લોકો વધુ નસીબદાર છે.
આ બન્ને જીલ્લાના લોકો નસીબદાર છે, તેમની બધી જ અરજીઓ મંજૂર કરી આપી, દારૂ પીવાની પરમિટ આપી દેવામાં આવે છે. ખેડા અને આણંદ જિલ્લાઓમાં તો ‘મફત’ તમે પરમિટ મેળવી શકો, એવો તાલ ચાલે છે. વિપક્ષના એક ડઝન ધારાસભ્યએ સરકારને વિધાનસભામાં પૂછેલું કે, રાજ્યના 33 પૈકી 21 જિલ્લાઓમાં 31-01-2025ની સ્થિતિએ, છેલ્લા 2 વર્ષ દરમિયાન આરોગ્ય હેતુસર દારૂના સેવન માટે પરમિટ મેળવવા કેટલાં મેડિકલ પ્રમાણપત્ર આપવામાં આવ્યા. જિલ્લા આરોગ્ય તંત્રના તાબા હેઠળની સંસ્થાઓને આ માટે કેટલી અરજીઓ મળી, મંજૂર તથા નામંજૂર થઈ વગેરે પ્રશ્નો પૂછેલાં.
-આરોગ્યમંત્રી બોલ્યા કે….
21 જિલ્લાઓમાં 21,854 અરજીઓ મળી. જેમાંથી 20,711 અરજીઓ મંજૂર થઈ. રોગી કલ્યાણ સમિતિને આ પેટે રૂ. 30 કરોડની આવક પ્રાપ્ત થઈ. અરજીઓ બાદ હોસ્પિટલમાં આરોગ્ય ચકાસણીઓ અને મેડિકલ પ્રમાણપત્ર માટે રોગી કલ્યાણ સમિતિએ નક્કી કરેલો ચાર્જ પણ આપવો પડે.જો કે ખાનગી સૂત્રના હવાલે પ્રગટ થયેલો એક રિપોર્ટ કહે છે: રાજ્યમાં સાત જિલ્લાઓ એવા છે જ્યાં રોગી કલ્યાણ સમિતિ હસ્તક, પરમિટ માટે કોઈ ચાર્જ વસૂલ કરવામાં આવતો નથી. રોગીઓનું કલ્યાણ કરતી સમિતિઓ ‘મફત’ પરમિટ આપે. જેમાં ખેડા અને આણંદનો પણ સમાવેશ થાય છે.
દાહોદ, અમરેલી, બોટાદ, જૂનાગઢ, આણંદ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લાઓના તંત્રો દ્વારા બે વર્ષમાં એક પણ અરજી નામંજૂર કરવામાં આવી નથી. ઝૂમ બરાબર ઝૂમ શરાબી ?! બધાંના આરોગ્ય માટે દારૂનું સેવન જરૂરી. નશાબંધી તંત્ર પરમિટ આપે ત્યારે એક જ વર્ષ માટે હોય છે. જેમાં રૂ. 6,000 ફી છે. પછી જો તમે 40-50 વર્ષના છો તો વધારાના 3 વર્ષની પરમિટ માટે બીજા 6,000 રૂપિયા ભરવાના. જો તમારી ઉંમર 50થી વધુ હોય અને તમે પરમિટ હોલ્ડર હો તો વધુમાં વધુ 4 વર્ષ માટે તમારે વધારાના રૂ. 8,000 જમા કરાવવા પડે. 65 વર્ષથી વધુની ઉંમરના હોલ્ડર પાસેથી પ્રતિ વર્ષના રૂ. 2,000 લેખે વધુમાં વધુ રૂ. 10,000 વસૂલવામાં આવે છે.
-કોઈના મારફતે પરમિટ મેળવવી હોય તો, કેટલો ખર્ચ કરવો પડે- વગેરે બાબતો રસપ્રદ
જે લોકો શરાબની પરમિટ માટે જુદી જુદી સરકારી સંસ્થાઓમાં ચક્કર કાપતા હોય છે તેમને પરમિટ સંબંધે ઘણું ઘણું જાણવા મળતું હોય છે, નવા નવા અનુભવો થતાં હોય છે, કોનો ફોન કરાવવાથી ક્યું કામ કેવી રીતે થઈ શકે, કોઈના મારફતે પરમિટ મેળવવી હોય તો, કેટલો ખર્ચ કરવો પડે- વગેરે બાબતો રસપ્રદ હોવાનું પણ સૂત્ર જણાવે છે. આરોગ્યના ગ્રાઉન્ડ પર પીવાની પરમિટ મેળવવી અને પછી કેવી કેવી રીતે ‘પરમિટ’ની મોજ માણવી- એ આખો વિષય ખૂબ જ થ્રીલ ધરાવતો હોવાનું પણ સૂત્ર જણાવી રહ્યા છે. આપણી આસપાસ ઘણાં પરમિટ હોલ્ડર એવા પણ હોય છે, જેમના આરોગ્ય માટે શરાબનું સેવન જરૂરી કે ફરજિયાત હોતું નથી, આ લોકો પરમિટનો ઉપયોગ શું કરતા હશે ?! એ સવાલનો જવાબ પણ ઘણાં લોકો જાણતા હોય છે.(symbolic image)