Mysamachar.in-જામનગર:
ગતિશીલ અને સંવેદનશીલ ગણાવાતી ગુજરાત સરકારમાં જામનગર જિલ્લાના વહિવટીતંત્રોનો એટલે કે નાગરિક સુવિધાઓના સીધા જ લગત વિભાગોની નબળી કામગીરીના કારણે હાલાર છે…….ક ૨૨માં ક્રમે ધકેલાયુ છે,માટે રાજ્ય સ્તરેથી તાકીદ કરતા હુકમો આવ્યા છે કે પ્રજાને સીધા જ લાગુ પડતા જાહેર સેવા અને કામોમાં સરકારી વિભાગો પ્રજાલક્ષી કામો ઝડપી કરે જો કે ત્યારબાદ પણ ખાસ કંઇ તંત્ર આળસ મરડીને બેઠુ થયુ નથી કે કટીબદ્ધ થયુ નથી તેમ વહિવટીતંત્રના વિશ્ર્લેષકોએ વિગતો આપતા જણાવ્યુ છે.એટલું જ નહી માનવ અધિકાર જેવી બંધારણીય બાબતે પણ અમુક સરકારી વિભાગોની ઘોર બેદરકારી સામે આવતા આયોગે ખુલાસો માંગ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા એસપાયરેશન ડીસ્ટ્રીક્ટસ માટેના ટાર્ગેટ અપાયા છે એ ટાર્ગેટ પુરા થાય તે પ્રમાણે માર્ક મળે છે. જેમાં શિક્ષણ,આરોગ્ય,સ્વચ્છતા, ખેતી વિષયક તમામ પાસાઓ,ગ્રાહક સુરક્ષાની બાબતો,જાહેર સલામતી,પાણી અને વીજ પુરવઠાની નિયમિતતા,રેશનીંગની ચીજ વસ્તુઓ,અરજી નિકાલ,પ્રમાણપત્રો કે નોંધણીની બાબતો સહિત અનેક પ્રજાલક્ષી કામગીરીઓનો સમાવેશ થાય છે.
આવી દરેક સુવિધા મેળવવા માટે દરેક નાગરિકો માટે સમાનતાના ધોરણો જળવાતા નથી જાહેર સલામતી અને સુખાકારી બાબતે પણ પ્રજાજનોની અનેક ફરિયાદો છે,તેમજ રોજ-બરોજ ની જરુરી સેવા અને સરકારી કચેરીઓમાં કામ પડે ત્યારે થઇ રહેલા બિન જરુરી વિલંબ વગેરે મુદાઓ માટેનો અરજદારોનો અભિપ્રાય ઉપર પહોંચી ગયો છે માટે સીધી સેવાઓમાં અનિયમીતતા દુર કરવા તેમજ વિલંબ ટાળવા સરકારે તાકીદ કરી છે. કેમકે જામનગર જિલ્લાનું તંત્ર આ દરેક બાબતોમાં અનેક કારણોસર ઉણું ઉતર્યુ છે.
વારંવાર પંચાયત,સુધરાઇ,પીજીવીસીએલ,પાણી પુરવઠા, નાગરિક પુરવઠા, ટ્રાફીક, રેવન્યુ, પોલીસ,મહાપાલીકા,ફુડ એન્ડ ડ્રગ્સ,લેબર,પ્રદુષણ,ઉદ્યોગ,સહકાર,ખેતીવાડી,પશુપાલન,ફોરેસ્ટ સહિતના સરકારી વિભાગોમાં લોકોની જરુરીયાતના કામો માટેની રજુઆતો, અરજીઓ ધુળ ખાય,અરજદારોને ધરમધક્કા થાય,બિનજરુરી વિલંબ થાય તેવુ બનતુ રહે છે.ખુબીની વાત એ છે કે આવી બાબતો અંગે કરાયેલી ફરિયાદો પણ ગંભીરતાથી લેવાતી નથી. માટે લોકોના કામોમા ગતિશીલતા ન આવતા જામનગર જિલ્લાનો કામગીરી નિકાલમાં છે….ક ૨૨મો ક્રમ છે.
આવીજ ગંભીર બાબત છે માનવ અધિકાર અંગેની બાબતોની જેમાં મુળભુત બંધારણીય હક્ક જેવા કે ઝડપી ન્યાય મળવો, તાકીદની સુરક્ષા,જીવના જોખમ વખતેના રક્ષણ,વાણી અભિવ્યક્તિ સ્વતંત્રતા, મુળભુત હકો, મહિલા અને બાળકોના અધીકારો મળવા જેવી અનેક બાબતોની અરજીઓ અને દાદ માંગતી વિધીવત ફરિયાદો અને અપીલો પેન્ડીંગ છે જેની તપાસ માટે કેસ જિલ્લા તંત્રમા મોકલાયા હોય તે બાબતે પણ લગત સરકારી વિભાગોએ ગંભીરતા દાખવી નથી.
એટલું જ નહી જિલ્લાની મહત્વની મિટીંગમાં આ અંગે રિવ્યુ થયો ત્યારે એવુ દર્શાવાયુ કે માનવ અધિકાર અંગેના કેસ પેન્ડીંગ હોય તેવી માહિતી નીલ છે. ત્યારે જિલ્લાના સર્વોચ્ચ વડાએ ચોંકાવનારી રીતે જણાવ્યુ કે માનવ અધીકાર અંગેના નવ કેસ જિલ્લામાં પેન્ડીંગ છે જે તાકીદે હાથ ધરી પુર્તતા કરવી. આમ એક તો લોકોના કામોમાં વિલંબ અને માહિતિ આપતી વખતે આંખે પાટા બાંધવાની અમુક વિભાગોની પારંગતતાના કારણે જ જિલ્લો લોકસુવિધાના કામો કરવામાં રાજ્યમાં હાલ છેવાડાનો બની રહ્યો છે.