Mysamachar.in-જામનગર:
જામનગરમાં એક તરફ અમદાવાદ GSTની ટીમ દ્વારા અઠવાડીયાથી ‘તપાસ’ ચાલતી હોવાના અને આ મામલામાં એક C.A.ની સંડોવણી હોવાના અહેવાલ બહાર આવી રહ્યા છે. બીજી તરફ આ જ C.A. વિરુદ્ધ હવે એક FIR એક વેપારીએ દાખલ કરાવી જેમાં કહેવાયું છે કે, ફરિયાદીના 2024-25ના હિસાબોમાં ઘાલમેલ કરી છેતરપિંડીઓ કરવામાં આવી છે.
જામનગરમાં છેલ્લા એક સપ્તાહથી અમદાવાદ GSTની ટીમ કંઈક શોધી રહી છે એવા અહેવાલ ‘બિનસતાવાર’ રીતે ચર્ચાઓના ચકડોળે છે. રૂ. 500 કરોડના શંકાસ્પદ નાણાંકીય વ્યવહારો થયા છે અને તેમાં રૂ. 100 કરોડ કોઈ ‘જમી’ ગયું છે, એવી વાતો થઈ રહી છે. આ સાથે એવી વાતો પણ હવામાં છે કે, કરોડોના વ્યવહાર ધરાવતાં 20 બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે. જો કે તેની સત્તાવાર વિગતો હજુ સુધી બહાર આવી નથી.
દરમ્યાન, આ બધાં હોબાળા વચ્ચે ચર્ચાઓ એ પણ છે કે, અલ્કેશ પેઢડીયા નામનો કોઈ C.A. છે, જેની ભૂમિકા આ કથિત કૌભાંડમાં ભૂંડી છે. તંત્ર તેને શોધી શક્યું નથી. તપાસમાં સહયોગ આપવા કહેતું સમન્સ તંત્ર દ્વારા આ C.A.ને મોકલવામાં આવ્યું છે ! પરંતુ આરોપી ‘ફરાર’ હોય ત્યારે, તે આરોપી તંત્રને તપાસમાં સહયોગ કેવી રીતે આપી શકે ? અને, પોતાની વિરુદ્ધની તપાસમાં કોઈ પણ આરોપી ‘સહયોગ’ આપે ?!
આ બધી બબાલ આઠ દિવસથી ચાલી રહી છે એ દરમ્યાન, જામનગર તાલુકાના મોટી લાખાણી ગામમાં મોટા વાસમાં રહેતાં વેપારી પ્રદીપસિંહ લાલુભા જાડેજાએ ઉપરોકત ફરાર C.A. વિરુદ્ધ જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. આ ફરિયાદ ગઈકાલે બુધવારે દાખલ થઈ. ફરિયાદી કહે છે, C.A. દ્વારા હિસાબોમાં ઘાલમેલ કરવામાં આવી છે.
ફરિયાદમાં જણાવાયા અનુસાર, એપ્રિલ-2021 થી માર્ચ-2025 દરમ્યાનના ફરિયાદીના ધંધાકીય હિસાબોમાં આરોપી C.A. દ્વારા ‘લોચા’ કરવામાં આવ્યા છે. ગઈકાલે રાત્રે ફરિયાદીએ પોલીસમાં એમ જાહેર કર્યું છે કે, આરોપી અલ્કેશ પેઢડીયા (બ્રહ્મ એન્ડ એસોસિએટ્સ) એ છેતરપિંડીઓ કરી છે. આ ફરિયાદીની પેઢીનું હિસાબકિતાબનું કામ વર્ષોથી આ આરોપી C.A. પાસે છે. તે દરમ્યાન આરોપીએ GST પોર્ટલ પર ફરિયાદીના એકાઉન્ટમાં ‘ખોટા’ બિલો દર્શાવી રૂ. 2,93,83,332 ની રકમ વેરાશાખ (input tax credit) તરીકે અન્ય વેપારીઓને આપી દીધી છે. ફરિયાદી વધુમાં કહે છે: C.A. દ્વારા આ કૌભાંડ ફરિયાદીની ‘જાણ બહાર’ કરવામાં આવ્યું હતું અને ફરિયાદી સાથે આ રીતે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે.