Mysamachar.in-જામનગર:
રાજયમાં તમામ જિલ્લામથકોએ સરકારી અનાજના ગોદામો આવેલાં છે પરંતુ આ ગોદામોમાં લાખો રૂપિયાનું જે અનાજ સંગ્રહિત કરવામાં આવ્યું હોય, તે અનાજની સલામતી સંબંધે બધું જ કામ ‘સરકારી’ ઢબે ચાલી રહ્યું છે, આ બાબતે કયાંય ગંભીરતા જોવા મળતી નથી.
જામનગરના બેડેશ્વર વિસ્તારમાં સરકારી અનાજના ગોદામો આવેલાં છે. અહીં સિટી અને ગ્રામ્ય એમ બે મુખ્ય ગોદામ છે. સિટી ગોદામમાંથી શહેરની સસ્તા અનાજની તમામ દુકાનોને અને ગ્રામ્ય ગોદામમાંથી જામનગર તાલુકાના ગામોમાં આવેલી સસ્તા અનાજની દુકાનોને અનાજ વિતરણ કરવામાં આવે છે.
સરકારી અનાજના આ ગોદામોમાં અનાજનું વિલંબથી વિતરણ, અનિયમિત વિતરણ, ઓછું વિતરણ, અનાજની ગુણીઓમાં જથ્થાઘટ તથા અનાજની ચોરી સહિતની બાબતો અંગે અવારનવાર ફરિયાદો અને રજૂઆતો થતી હોય છે. આ ઉપરાંત અહીં રાખવામાં આવેલાં અનાજની ગુણવત્તા યોગ્ય છે કે કેમ તે અંગે ચેકિંગના નાટકો પણ ભજવાતા હોય છે.

આ તમામ સ્થિતિઓમાં અનાજના આ જથ્થાની સલામતી મુદ્દે ગોદામોમાં CCTV કેમેરા અને આગથી અનાજને બચાવવા ફાયર સંબંધિત ચકાસણીઓ અને ‘સબ સલામત’નું પ્રમાણપત્ર વગેરે બાબતો મહત્વપૂર્ણ હોય છે- આમ છતાં Mysamachar.in દ્વારા આ ગોદામોના મહિલા મેનેજર (DSM)ને જ્યારે CCTV વગેરે બાબતે પૂછવામાં આવ્યું ત્યારે પ્રથમ તો તેઓએ સ્પષ્ટ જવાબ આપવાનું ટાળી દીધું હતું અને આ બાબતે રૂબરૂ મુલાકાતનો આગ્રહ રાખ્યો હતો ! ગોદામો ફાયર NOC ધરાવે છે કે કેમ, ગોદામોમાં CCTV કેમેરા છે કે કેમ- એ એવા પ્રશ્નો છે જેના સ્પષ્ટ જવાબો હા અથવા ના માં ફોન પર પણ આપી શકાય, આમ છતાં આ મહિલા અધિકારીએ ગોળગોળ જવાબો આપ્યા હતાં. તેથી ગોદામોની સલામતી અંગે સ્વાભાવિક રીતે જ શંકાઓ જન્મે તેવી સ્થિતિઓ હોવાનું સામે આવી ગયું.
ત્યારબાદ, Mysamachar.in દ્વારા આ અંગે વધુ તપાસ કરતાં જાણમાં આવ્યું કે, સિટી અને ગ્રામ્ય એમ બંને ગોદામોમાં CCTV કેમેરા બંધ એટલે કે ડેડ છે ! આ કેમેરાના વાયરીંગમાં લોચા છે. કેમેરા કામ કરતાં નથી. આ અંગે જામનગર અને ગાંધીનગર વચ્ચે પત્રવ્યવહાર ચાલે છે, ટેન્ડર પ્રક્રિયાઓ આગળ વધી રહી છે અને હવે આગામી સમયમાં અહીં CCTV કેમેરા કાર્યરત થશે. જે ક્યારે ફરી બંધ થઈ જશે- એ અંગે કશું નક્કી નહીં ! આ ઉપરાંત એમ પણ જાણવા મળે છે કે, આ ગોદામો માટે ફાયર NOC ની વ્યવસ્થાઓ પણ હજુ હમણાં જ કરવામાં આવી છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, સરકારી અનાજના ગોદામોમાં સમગ્ર રાજ્યમાં અનેક પ્રકારની ક્ષતિઓ અને અનિયમિતતાઓ તથા ગેરરીતિઓ સંબંધે અવારનવાર વિવાદો ઉભા થતાં રહેતાં હોય છે.
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, 2024ના એપ્રિલ માસમાં જામનગરના આ ગોદામોમાં છેક ગાંધીનગરથી તપાસ આવી ચડી હતી. આ બાબતે સ્થાનિક સત્તાવાળાઓએ છૂપાવવાના પ્રયાસ પુષ્કળ કર્યા હતાં. અને, 6-6 દિવસ તપાસ બાદ પણ સત્તાવાર વિગતોની જિલ્લા પૂરવઠા તંત્ર દ્વારા કોઈ જ જાહેરાત કરવામાં આવી ન હતી. ત્યાર પછીના સમયમાં જિલ્લા પૂરવઠા અધિકારીની બદલી પણ થઈ હતી. આ તપાસના CCTV ફૂટેજ કે વિગતો જો કે છેક સુધી જાહેર કરવામાં આવી ન હતી.(file image)
