Mysamachar.in-ગાંધીનગર:
લોકસભાની ચૂંટણી જીતવા ભાજપે કોંગ્રેસ તોડવાની મોટી રાજરમત શરૂ કરી છે અને કોંગ્રેસનાં ધારાસભ્યોને રાજીનામાં અપાવી સીધા જ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવી રહ્યું છે.જેનાથી હાલ તો કોંગ્રેસનું ઘર ભડકે બળી રહ્યું છે અને કોંગ્રેસના ધારાસભ્ય એક પછી એક પક્ષ છોડીને રાજીનામા આપી રહ્યા છે.

ત્યારે ક્યાંકને ક્યાંક મોટી સોદાબાજી ચાલી રહી હોવાના ખેલ સામે આવ્યો છે. એવામાં ગઈકાલે માણાવદરનાં ધારાસભ્ય જવાહર ચાવડાએ અને હળવદના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ રાજીનામું આપ્યા બાદ એકાએક ભાજપમાં જોડાયા હતા અને આજે સરકાર દ્વારા મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે,

ગુજરાત સરકાર દ્વારા ૧૨.૪૦ વાગ્યે રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણમાં જવાહર ચાવડા સમાવેશ કરવામાં આવ્યો છે અને જવાહર ચાવડાને કૅબિનેટ કક્ષાના મંત્રી બનાવી ભાજપમાં મોભાનું સ્થાન મળ્યું છે, તેમની સાથોસાથ જામનગર ઉતરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકૂભા) અને વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલને રાજ્યકક્ષાના મંત્રી તરીકે મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

જામનગરના હકૂભા જાડેજાને મંત્રીમંડળમાં સ્થાન મળતા રાજપૂત સમાજ સહિત ભાજપની છાવણીમાં આનંદનું મોજું ફરી વળ્યું છે. મંત્રીઓને હવે પછી ખાતાઓની ફાળવણી કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. જામનગરની વાત કરવામાં આવે તો લાંબા સમય બાદ એક જ જિલ્લામાંથી બે ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે.


જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.