Mysamachar.in- જામનગર:
જામનગરના ‘કચરા’ની ઘણી બધી ખૂબી છે, ઘણી બધી ખામી છે. કરોડોનો ખર્ચ છે. કરોડોની કમાણી છે. અને, ફરી કરોડોના ખર્ચની બાજી ગોઠવાઈ ગઈ છે. એક તરફ કરદાતાઓના નાણાંનો ‘કચરો’ થઈ રહ્યો છે અને બીજી તરફ કરોડોના આંધણ બાદ પણ શહેરના પાદરે કચરાના પર્વતો ખડકાઈ રહ્યા છે. જેના માથે વરસાદ પડતાં પ્રદૂષણ અને ગંદકી બેસુમાર. અને, મહાનગરપાલિકા કશું કરી શકતી ન હોય, ગાંધીનગરમાં ‘મદદ’ માટે ખોળો પાથરી રહી છે. સવાલ એ પણ છે કે, તાકાતવાળી કંપનીને ગાંધીનગર કંટ્રોલ કરી શકે ? ચર્ચાઓ એ પણ છે કે, કચરો બાળવાનો કોન્ટ્રાક્ટ ધરાવતી આ કંપનીને કશું જ થશે નહીં !!
એક જમાનામાં જામનગર મહાનગરપાલિકાએ ફાંકા ફોજદારી કરેલી કે, શહેરના ઘન કચરાને એકત્રિત કરી કોન્ટ્રાક્ટર કંપનીને આપી દેવામાં આવશે. શહેર સ્વચ્છ થશે. કચરામાંથી વીજળીનું ઉત્પાદન થશે, વગેરે વગેરે. આ ફાંકા ફોજદારી બાદ અત્યાર સુધીમાં મહાનગરપાલિકા કચરા પાછળ કરોડોનો ખર્ચ કરી ચૂકી છે. શહેરની સ્વચ્છતા સૌ જાણે છે. કચરાની કાળી કમાણી ક્યાં ક્યાં જાય છે, એ અંગે પણ અવારનવાર વિવાદો ઉઠે છે. સૌ મૌન રહે છે !!
હાલમાં લાંબા સમયથી કચરામાંથી વીજળી ઉત્પાદન કરવા માટેનો પ્લાન્ટ ખાનગી કંપનીએ બંધ કરી દીધો છે. કોર્પોરેશન માત્ર નોટિસ આપે છે. કડક કાર્યવાહીઓ કરી શકતી નથી. કંપનીને ધોળે દિવસે તારા દેખાડી દેવાની હેસિયત મહાનગરપાલિકા દેખાડી શકે એમ નથી. બીજી તરફ ડમ્પિંગ સાઈટ ખાતે ભરચોમાસે કચરાના ડુંગરો ખડકાઈ રહ્યા છે. શહેરમાંથી અહીં કચરો પહોંચાડવા, લોકોની કમાણીના નાણાંમાંથી મહાનગરપાલિકા રોજેરોજ રૂ. 10 લાખનો ખર્ચ કરે છે !
હવે મેયર એવી વાતો કરે છે કે, ગાંધીનગર આ મામલે કંઈક કરશે !( કેમ ?! મહાનગરપાલિકા કંપનીથી ડરે છે ?! કડક વલણ અખત્યાર શા માટે નથી થતું ?! પગલાંઓ ન લેવા પાછળ કોઈનું હિત કે હિતો સંકળાયેલા છે ?!). જાણકારો તો એમ પણ કહે છે: ગાંધીનગર પણ આ કંપનીનું કશું બગાડી શકે એમ નથી ! તો, આખરે શું થશે ? આ પ્લાન્ટને કાયમ માટે તાળું લાગી જશે ?! તો, શહેરના કચરાનો નિકાલ કેમ થશે ?!
દરમ્યાન, મહાનગરપાલિકાએ ફરી નવી ફાંકા ફોજદારી શરૂ કરી. કરોડોના ખર્ચે ફરી કચરા નિકાલ માટે એક અલગ વ્યવસ્થાઓ ગોઠવાશે. જો કે, આ નવી વ્યવસ્થાઓ પણ અસરકારક ઉપાય નહી હોય ! ખુદ મહાનગરપાલિકાએ સ્વીકાર કર્યો. તો પછી, લોકોની કમાણીના કરોડો રૂપિયાનું આંધણ શા માટે ?! બંધ પ્લાન્ટ ધરાવતી કંપની વિરુદ્ધ શરતભંગની કાર્યવાહીઓની માંગ થઇ રહી છે- પણ મહાનગરપાલિકા એટલી ત્રેવડ ધરાવતી હોય તો, ગાંધીનગર જઈ ત્યાં શા માટે ખોળો પાથરે ?! મહાનગરપાલિકાના તંત્રએ હવે ધીમેથી, દડો શાસકપક્ષ તરફ સરકાવી દીધો. સવાલ એ પણ છે કે, શાસકપક્ષ આ કંપની વિરુદ્ધ કડક થઈ શકે એમ છે ?? ટૂંકમાં, કચરાનું કમઠાણ હજુ પણ ચાલતું જ રહેશે, લોકોના કરોડો રૂપિયા કચરામાં જવાનું ચાલુ રહેશે !! શહેરમાં ફૌલાદી અવાજની કમી હોવાનો અહેસાસ નગરજનોને થઈ રહ્યો છે.