Mysamachar.in:જામનગર
ભારે પવન અને એકધારા વરસાદની હાલની સ્થિતિમાં જામનગર શહેરમાં જર્જરિત મકાનોમાં વસવાટ કરતાં નગરજનોની માથે ભય ઝળુંબી રહ્યો છે. આ પ્રકારના એક બનાવમાં જો કે સમયસર બચાવ થતાં જાનહાનિ અટકી છે. આજે સવારથી જામનગરમાં એકધારો વરસાદ અને ભારે પવન સૂસવાટા લગાવી રહ્યો છે. જેને કારણે પડી શકે એવાં મકાનોમાં વસવાટ કરી રહેલાં લોકોનાં શ્વાસ અધ્ધર થઈ ગયા છે. આ પ્રકારની સ્થિતિ વચ્ચે, આજે સવારે શહેરનાં સેતાવાડ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર આવેલું એક જર્જરિત મકાન તૂટી પડતાં આ મકાનમાં વસવાટ કરી રહેલાં પરિવારનાં પાંચ સભ્યો મુખ્ય સીડી તૂટી જતા ફસાઈ ગયા હતા. બાદમાં જો કે સમયસર કોઈએ ફાયરશાખાને જાણ કરતાં, ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી પરિવારનાં પાંચેય સભ્યોને સહીસલામત રીતે રેસક્યું કરી બહાર કાઢયા હતા.