Mysamachar.in-જામનગર:
તંત્રના અને સરકારના લાખ પ્રયત્નો પછી પણ, હજુ સુધી વીજતંત્રમાં સુધારાઓ લાવવામાં પૂરી સફળતાઓ મળી નથી, તંત્રને ટનાટન બનાવી શકવામાં સિદ્ધિઓ હાંસલ થઈ શકી નથી. જો કે, તંત્રને સારી કામગીરીઓ સુધી પહોંચાડવા તંત્ર તથા સરકારના પ્રયાસો ચાલુ છે-એ રાહત આપતી બાબત લેખાવી શકાય.
જામનગર વીજતંત્રમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લો એમ બંને જિલ્લાઓનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રમાં સૌથી મોટું વીજ સર્કલ આ છે. જો કે, નોંધપાત્ર બાબત એ રહી છે કે, વર્ષ 2022 અને વર્ષ 2023 ની સરખામણીએ વર્ષ 2024 માં, હજારો વીજગ્રાહકોએ જે ફરિયાદો કસ્ટમર કેર સેન્ટર પર નોંધાવી હોય, તે ફરિયાદની સંખ્યા વધારે છે. ફરિયાદ વધી છે. વર્ષ 2023માં ફરિયાદ ઘણી ઓછી હતી.
વીજતંત્રની રાજકોટ ખાતેની કોર્પોરેટ કચેરીએ તંત્રને વર્ષ દરમિયાન સૌરાષ્ટ્રના વિવિધ વીજસર્કલમાંથી કસ્ટમર કેર સેન્ટર પર જે ફરિયાદો મળી, તેના આંકડા જાહેર કર્યા છે. જામનગર વીજસર્કલના આંકડા આ મુજબ છે: વર્ષ 2020માં જામનગરનો ફરિયાદનો આંકડો 12,323 હતો. આ આંકડો કસ્ટમર કેર સેન્ટર પર નોંધાયેલી ફરિયાદનો છે. ઘણાં વીજ ગ્રાહક એવા હોય છે જે કસ્ટમર કેર સેન્ટરમાં નહીં પરંતુ અહીં સ્થાનિક વીજ કચેરીઓમાં જ ફરિયાદ નોંધાવતા હોય છે. આ ફરિયાદોની કુલ સંખ્યા પણ હજારોમાં હોય શકે છે.
કસ્ટમર કેર સેન્ટરમાં વર્ષ 2021માં જામનગરનો ફરિયાદનો આંકડો 8,404 રહ્યો હતો. વર્ષ 2022માં આ આંકડો 8,042 હતો. વર્ષ 2023માં 5,351 ફરિયાદ નોંધાવવામાં આવી. અને, વર્ષ 2024માં આ આંકડો 8,160 રહ્યો. એટલે કે, વર્ષ 2022 અને વર્ષ 2023ની સરખામણીએ વર્ષ 2024માં જામનગરની ફરિયાદો કસ્ટમર કેર સેન્ટરમાં વધુ નોંધવામાં આવી. અત્રે ઉલ્લેખનિય છે કે, વીજતંત્રએ રૂ. 792 કરોડના ખર્ચથી સૌરાષ્ટ્ર-કચ્છમાં બધાં જ જિલ્લાઓમાં 11 kv ના આશરે 7,962 કિલોમીટર લંબાઈના કેબલ બદલી કાઢ્યા છે. પછી પણ ફરિયાદો બાબતે કોઈ સુધારો જોવા મળતો નથી.
બીજો મુદ્દો: જામનગર અને દ્વારકા જિલ્લામાં વીજ સમસ્યાઓ નિવારવા જામનગર શહેરમાં લાખો રૂપિયાના ખર્ચથી સરકારે એટલે કે વીજતંત્રએ એક આધુનિક કંટ્રોલરૂમ પણ બનાવ્યો છે. જેને વીજતંત્ર સ્કાડા સેન્ટર કહે છે. આ સેન્ટરની મદદથી, ક્યાંય પણ ફોલ્ટ હોય તો જાણી શકાય. કોઈ વીજ ગ્રાહકે ફોલ્ટ અંગે વીજતંત્રને એક પણ ફોન ન કર્યો હોય તો પણ, આ સેન્ટરના કોમ્પ્યુટર તંત્રને ફોલ્ટ અંગે જાણકારીઓ આપી શકે. જામનગરનું આ સ્કાડા સેન્ટર હાલ સેવાઓમાં નથી. વીજતંત્ર કહે છે: આ સેન્ટર હાલ અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે. આ સેન્ટરને થોડા થોડા સમયે મોબાઈલ માફક અપગ્રેડ કરવું પડે છે. દરમિયાન, રાજકોટ ખાતેના સૂત્ર અનુસાર, રાજકોટમાં આ સેન્ટર ધૂળ ખાય છે.
રાજકોટમાં તો એવી પણ સિસ્ટમ છે કે, કોઈ એક વિસ્તારમાં વીજપૂરવઠો બંધ થયો હોય તો, ફોલ્ટ રીપેર કરવામાં આવે તે દરમિયાન અન્ય વિસ્તારમાંથી આ ફોલ્ટ ધરાવતા વિસ્તારમાં વીજપૂરવઠો આપી શકાય. જામનગરમાં આ સિસ્ટમ નથી. અહીં તો ફોલ્ટ રીપેર થઈ જાય પછી જ જેતે ફીડર હેઠળના વિસ્તારને વીજપૂરવઠો આપી શકાય. જેને કારણે ફોલ્ટ દરમિયાન લોકો ખૂબ જ હાલાકીઓ વેઠી રહ્યા છે. ટૂંકમાં, આટલાં આધુનિક યુગમાં પણ વીજતંત્ર જૂની ઘરેડો માફક ઘસડાઈ રહ્યું છે. જે ખરેખર તો સારી વીજ સેવાઓ માટે આધુનિક અને ટેકનોલોજિથી સજ્જ હોવું જોઈએ.