Mysamachar.in-જામનગર:
જામનગર શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રખડતાં કૂતરાંઓનો ત્રાસ કોઈના માટે નવી વાત નથી પણ અચરજની વાત એ છે કે, કોર્પોરેશન જાણે કે આ મુદ્દો જ ભૂલી ગયું છે- એવી સ્થિતિ છે. અને, ગ્રામ્ય વિસ્તારોમાં તો લોકોનું જાણે કે કોઈ ‘ધણી’ જ નથી એવી સ્થિતિઓ છે.
જામનગરની જીજી હોસ્પિટલમાં કૂતરાં કરડવાને કારણે ગંભીર ઈજાઓ પામતાં દર્દીઓ અવારનવાર આવતા રહે છે, એમની સારવાર થાય છે પરંતુ કૂતરાંઓનો ત્રાસ નિવારવા શહેર અને ગ્રામ્ય કક્ષાએ કોઈ જ કામગીરીઓ થતી નથી. શાસકોને લોકોની ચિંતાઓ જ નથી ?! વર્તમાન વર્ષ 2024ના માત્ર 9 જ મહિનામાં, જીજી હોસ્પિટલમાં કૂતરૂં કરડવાના 13,340 કેસ નોંધાઈ ગયા. તો પણ, તંત્રો શાંત અને ઉદાસીન.
આ નવ મહિના દરમિયાન જામનગર શહેરના 8,391 લોકો પર અને ગ્રામ્ય વિસ્તારોમાં 4,949 લોકો પર કૂતરાં ત્રાટક્યા, બટકાં ભરી લીધાં, લોહીલુહાણ કરી દીધાં. અને, બીજી તરફ તંત્ર કહે છે: કૂતરાંનો ત્રાસ નિવારવા સંબંધિત એજન્સી સાથે વાતચીત ચાલી રહી છે, વાતચીત ભારત પાકિસ્તાન જેવી છે, વર્ષોથી ચાલી રહી છે !
જામનગર શહેરમાં જાન્યુઆરીમાં 1,035- ફેબ્રુઆરીમાં 1,002- માર્ચમાં 1,115- એપ્રિલમાં 937- મે મહિનામાં 1,041- જૂનમાં 911- જૂલાઈમાં 797- ઓગસ્ટમાં 728 અને સપ્ટેમ્બરમાં 825 લોકોને કૂતરાં કરડી ગયા. આ નવ મહિના દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 4,949 લોકોને કૂતરાં કરડી ગયા. શ્વાનના આ પ્રકારના ભયાનક ત્રાસને કારણે બાળકો, મહિલાઓ અને વૃદ્ધો ફફડી રહ્યા છે.
જામનગર શહેરમાં થોડાં સમય અગાઉ શ્વાન રસીકરણ અને ખસીકરણની ખબરો તથા ખાસ હોસ્પિટલમાં શ્વાન પર શસ્ત્રક્રિયાઓની વાતો થોડો સમય ચાલ્યા બાદ શ્વાન ખસીકરણ પ્રક્રિયા આડેધડ થતા શ્વાનોના મોત અને ખસીકરણ કરતી સંસ્થાના જરૂરી સર્ટીફીકેટ સહિતના મામલે આ કામગીરી રોકાઈ ગયા બાદ લાંબા સમયથી લોકો કૂતરાંનો ત્રાસ સહન કરી રહ્યા છે. મહાનગરપાલિકાએ જેમ બને તેમ ઝડપથી આ દિશામાં કામગીરીઓ હાથ ધરવી જોઈએ એમ લાખો નગરજનો ઈચ્છી રહ્યા છે અને ગ્રામ્ય કક્ષાએ પણ આ સમસ્યાના ઉકેલ માટે સત્તાવાળાઓએ ઘટતું કરવું જોઈએ એવી લોકલાગણી છે.(ફાઈલ તસ્વીર)