Mysamachar.in-જામનગર:
જામનગરની કેટલીક મિશનરી શાળાઓમાં હિંદુ બાળકોને ખાસ કરીને નવરાત્રિના તહેવારો દરમ્યાન છાત્રાઓને ધાર્મિક બાબતો સંબંધે કનડગત થઈ હતી, એવી ફરિયાદ બાદ શિક્ષણ વિભાગે આવી અડધો ડઝન શાળાઓને તાકીદ કરતો પત્ર પાઠવ્યો છે. જામનગર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ જામનગરની સેન્ટ ઝેવિયર્સ, સેન્ટ આન્સ, સેન્ટ ફ્રાન્સિસ, સેન્ટ મેરી અને સેન્ટ ગ્રેગોરિયસ એમ પાંચ ખ્રિસ્તી સમુદાયની શાળાઓ અને જામજોધપુરની મધર ટેરેસા સ્કૂલને પત્ર લખ્યો છે.
આ પત્રમાં કચેરીએ જણાવ્યું છે, તાજેતરમાં વીરબાઈ જલીયાણ વાલીમંડળ દ્વારા કચેરી સમક્ષ એવી ફરિયાદ થઈ હતી કે, અમુક મિશનરી શાળાઓ દ્વારા લઘુમતી શાળાઓના કાયદાનું પાલન થતું નથી. જેમાં લઘુમતી વિદ્યાર્થીઓને ન ભણાવવા, સ્કૂલમાંથી ફરજિયાત પુસ્તકો અને બુકસ ખરીદવા કહેવું અને અન્ય ધર્મના વિદ્યાર્થીઓને પોતાના રીતરિવાજ ન અનુસરવા સંબંધે દબાણ કરવું વગેરે ફરિયાદોનો સમાવેશ થાય છે.
આ સંબંધે કચેરીએ જણાવ્યું છે કે, આ તમામ મિશનરી શાળાઓને તાકીદ કરવામાં આવી છે કે, ભવિષ્યમાં આવી કોઈ બાબતો ન બનવી જોઈએ અને જો આવું કાંઈ પણ બનશે તો, શિક્ષણ બોર્ડના નિયમો અનુસાર કાર્યવાહીઓ કરવામાં આવશે. DEO કચેરીના આ પત્રને કારણે મિશનરી શાળાઓમાં ગભરાટ શરૂ થયો હોવાનું જાણવા મળે છે.