Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં સાયબર ક્રાઈમ સાથે અનેક ગઠિયાઓ સંકળાયેલા હોય છે, આ કુંડાળાઓમાં મહિલાઓ પણ ગુનેગાર હોય છે. આવું એક સાયબર ક્રાઈમ કૌભાંડ જૂનાગઢથી બહાર આવ્યું જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પણ કેટલાંક લોકોના બેંક એકાઉન્ટની વિગતો ખૂલતાં હાલારમાં પણ દોડધામ થઈ પડી છે.
જૂનાગઢ પોલીસે જાહેર કર્યું કે, રાજ્યના કેટલાંક ગ્રામ્ય વિસ્તારોમાં રહેતાં લોકોના બેંક એકાઉન્ટનો દુરુપયોગ કરીને સાયબર છેતરપિંડીઓના નાણાંની તેમાં હેરાફેરી થઈ રહી હોવાની વિગતો ધ્યાન પર આવી ગઈ છે. આ પ્રકારના બેંક એકાઉન્ટ કમિશન ચૂકવીને ભાડે લેવામાં આવે છે. આવા બેંક એકાઉન્ટમાં રૂ. 50 કરોડના ટ્રાન્ઝેક્શન થયા છે.
આ કૌભાંડમાં જૂનાગઢની એક મહિલા, અમદાવાદના બે શખ્સ સહિત કુલ આઠ ગઠિયાઓની ધરપકડ થઈ છે. આ આરોપીઓએ જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના કેટલાંક લોકોના બેંક એકાઉન્ટનો આમાં ઉપયોગ કરી લીધો છે. આ મામલે એક અરજી થયા બાદ, જૂનાગઢ રેન્જ સાયબર ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરી હતી જેમાં આ બધી વિગતો નીકળી પડી.
સાયબર ક્રાઈમ બ્રાંચ કહે છે:
આ પ્રકારના કુલ 200 બેંક એકાઉન્ટ ધ્યાન પર આવ્યા છે. પ્રાથમિક તપાસ દરમિયાન એ પણ જાણવા મળેલ છે કે, આ એકાઉન્ટ પૈકી 42 એકાઉન્ટ એવા છે જેના વિરુદ્ધ નેશનલ પોર્ટલ પર વિવિધ ફરિયાદો અલગઅલગ રાજ્યોમાં દાખલ થઈ છે. નાણાંની આ હેરાફેરી માટે પ્રથમ આ બેંક એકાઉન્ટનો દુરુપયોગ થતો, બાદમાં આંગડીયા અને હવાલા ઓપરેટરનો ઉપયોગ થતો
આ સમગ્ર કૌભાંડમાં ઝડપાઈ ગયેલા આરોપીઓના નામો:
અભિષેક માથુકીયા, સચિન વોરા, આર્યન પઠાણ, ધર્મેશ ગોહેલ, સતીષ કરમટા, અબ્દુલ જેઠવા, આસિફ બેલીમ અને નયના ટાંક.