Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ગત્ માર્ચ મહિનામાં ધો. 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની બોર્ડ પરીક્ષાઓ લેવામાં આવી હતી. આ પરીક્ષાઓના પરિણામ આમ તો ઘણાં દિવસથી તૈયાર હતાં પરંતુ બોર્ડે જાહેર કરેલું કે, 7 મે ના મતદાન બાદ પરિણામો જાહેર કરવામાં આવશે અને આજે 9 મે એ આ પરિણામો જાહેર કરી દેવામાં આવ્યા છે. જામનગર અને દ્વારકા જિલ્લાઓમાં આ બંને પ્રવાહોમાં મોટાભાગના પરીક્ષાર્થીઓ ઉતીર્ણ થયા છે, તેથી માહોલ સર્વત્ર આનંદનો છે.
ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું છોકરાંઓનું પરિણામ 82.53 ટકા છે અને છોકરીઓનું પરિણામ 82.35 ટકા છે. સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર મોરબી જિલ્લાનું હળવદ છે, જેની ટકાવારી 97.97 ટકા છે. અને સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર છોટાઉદેપુર જિલ્લાનું બોડેલી છે, જેનું પરિણામ 47.98 ટકા છે. ( બોડેલીમાં અગાઉ બનાવટી સરકારી કચેરી પકડાઈ ગઈ હતી) .
સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો મોરબી છે, જેનું પરિણામ 92.80 ટકા છે અને સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો દાહોદ છે જેનું પરિણામ 51.36 ટકા છે. ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 127 છે અને 10 ટકા કે તેથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 27 છે. રાજ્યમાં ગેરરીતિઓના 18 કેસ રેકર્ડ પર છે. અને, રાજ્યમાં A1 ગ્રેડ પરિણામ મેળવનાર પરીક્ષાર્થીઓની સંખ્યા 1,034 રહી છે.
જામનગર જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં નોંધાયેલા પરીક્ષાર્થીઓની સંખ્યા 1,200 અને પરીક્ષાઓ આપનાર ઉમેદવારોની સંખ્યા 1,198 રહી. જિલ્લાનું પરિણામ 90.34 ટકા આવ્યું. જામનગર કેન્દ્રનું પરિણામ 87.40 ટકા, ધ્રોલ કેન્દ્રનું પરિણામ 96.77 ટકા, ખંભાળિયા કેન્દ્રનું પરિણામ 90.07 ટકા અને મીઠાપુર કેન્દ્રનું પરિણામ 73.33 ટકા રહ્યું છે. જામનગર જિલ્લામાં A1 ગ્રેડ મેળવનાર પરીક્ષાર્થીઓની સંખ્યા 28 અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક પણ પરીક્ષાર્થી A1 ગ્રેડ પ્રાપ્ત કરી શકેલ નથી.
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ પણ આજે સાથે જ જાહેર થઇ ગયું. સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર છાલા 99.61 ટકા અને સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર ખાવડા 51.11 ટકા. સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બોટાદ 96.40 ટકા, સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો જૂનાગઢ 84.81 ટકા છે.
જામનગર જિલ્લાનું પરિણામ 91.39 ટકા અને દ્વારકા જિલ્લાનું પરિણામ 95.03 ટકા રહ્યું છે. જામનગર જિલ્લામાં A1 ગ્રેડ મેળવનાર પરીક્ષાર્થીઓની સંખ્યા 190 અને દ્વારકા જિલ્લામાં 23 રહી છે. જામનગર કેન્દ્રનું પરિણામ 89.90 ટકા, જામજોધપુરનું 95.90, મીઠાપુરનું 96.05, ખંભાળિયાનું 95.38, દ્વારકાનું 90.35 ટકા, ભાટીયાનું 94.88 ટકા અને ભાણવડ કેન્દ્રનું પરિણામ 96.77 ટકા રહ્યું છે.