Mysamachar.in:જામનગર
જામનગર જિલ્લા પંચાયતની વર્ષ 2023/24નાં બજેટ માટેની જનરલ બોર્ડની બેઠક આજે સોમવારે બપોરે પંચાયતનાં સભાખંડમાં પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. આ બેઠકમાં જામનગર જિલ્લા પંચાયતનું વર્ષ 2023/24 માટેનું સ્વભંડોળનુ બજેટ રજૂ કરવામાં આવ્યું. આ ઉપરાંત વર્ષ 2022/23 નું સુધારેલું બજેટ પણ રજૂ કરવામાં આવ્યું હતું. વર્ષ 2023/24 નાં બજેટનાં આંકડા જણાવે છે કે, 01/04/2023 નાં દિવસે જિલ્લા પંચાયતની તિજોરીમાં સ્વભંડોળની ખૂલતી સિલક રૂ.4.42 કરોડની રહેશે. વર્ષ દરમિયાન આશરે રૂ.3.65કરોડની આવક થશે. આ કુલ રકમ 8.07કરોડ પૈકી વર્ષ દરમિયાન રૂ.6.98 કરોડનો અંદાજિત ખર્ચ થશે એવી ધારણા બાંધવામાં આવી છે. જેથી વર્ષ આખરે બંધ સિલક રૂ.1.09કરોડ રહેશે.
જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારાએ પોતાની બજેટ સ્પીચમાં જણાવ્યું હતું કે, જિલ્લામાં હાલ રૂ.172 કરોડના કામો પ્રગતિમાં છે અને આગામી દિવસોમાં રૂ.110કરોડના કામો હાથ ધરવામાં આવશે. આગામી નાણાકીય વર્ષમાં ચેકડેમ મરામત અને નવા ચેકડેમ બાંધવા કુલ રૂ.70 લાખની જોગવાઈ કરવામાં આવી છે. રસ્તાઓની મરામત માટે રૂ.140 લાખની જોગવાઈ કરવામાં આવી છે. પછાત વિસ્તારોમાં કોમ્યુનિટી હોલ બનાવવા કુલ રૂ.60 લાખની જોગવાઈ કરવામાં આવી છે.
આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં નવા 94 પંચાયતઘરોનાં કામો પ્રગતિ હેઠળ છે. 16 કામો પૂર્ણ થયાં છે. 27 પંચાયત ઘરો બનાવવા મંજૂરીની પ્રક્રિયા ચાલી રહી છે. મનરેગા યોજનામાંથી કુલ 121 પંચાયતઘરો બનાવવામાં આવશે. જેથી ગ્રામ્ય મજૂરોને રોજી મળશે. આ બજેટ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ વગેરે અધિકારીઓ તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.