Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લામાં શાસકપક્ષની સ્થિતિ અત્યંત મજબૂત છે અને સમગ્ર પક્ષની છાપ શિસ્તબદ્ધની છે પરંતુ જિલ્લાનું ધ્રોલ તાલુકામથક આંતરિક સંપના મુદ્દે તથા શાસનની બાબતે, લોખંડી સાંકળની સૌથી ‘નબળી’ કડી હોવાની વિગતો છૂટક છૂટક રીતે છેલ્લા સો સવાસો દિવસોમાં બહાર આવી ગઈ હોય, આ સંવેદનશીલ પંથકમાં પક્ષમાં ‘બધું બરાબર’ ન હોવાની ‘સાયરન’ જાણે કે વાગી રહી હોવાનું જાણકારો માની રહ્યા છે.
હાલમાં ધ્રોલ પંથકના પક્ષના એક મહિલા પદાધિકારીના પતિની વોટ્સએપ ચેટ વાયરલ થતાં ભારે ચકચાર મચી છે. આ ‘પતિદેવ’ ચેટમાં એમ કહે છે: વિકાસની મોટી મોટી વાતો કરવામાં ‘આ’ મુદ્દા આપણાં માટે શરમજનક છે. પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપ સરકાર હોવા છતાં વારંવાર રજૂઆત કરવી કેટલી યોગ્ય કહેવાય…નબળા રસ્તાના લીધે ધ્રોલથી કોઈ મજોઠ સુધી રિક્ષાવાળા ડબલ ભાડું દેવા છતાં આવવા તૈયાર નથી…મજોઠ લખતર ગામ પાસેના ઉંડ-2 ડેમના પાળા પરનો રસ્તો એટલો ખરાબ છે કે, આ મહિનામાં 3 કેસ ડિલીવરીના, રોડ પર જ થઈ ગયા…દવાખાને પહોંચી શકતા નથી…ધ્રોલ બીજેપી નામના આ ગ્રૂપમાં 9 સભ્યો એક્ટિવ હતાં ત્યારે, એક સભ્ય કહે છે કે, રસ્તાઓ અતિ બિસ્માર છે…મહિલા પદાધિકારીના પતિદેવ કહે છે: અમારાં માટે ખૂબ જ દુઃખજનક વાત છે કે, ઉપર કોઈ નેતા સાંભળતા નથી અમારૂં…હા એ હા જ કરે છે…અત્રે ઉલ્લેખનિય છે કે, આ મહાશય ધ્રોલ તાલુકા પંચાયતની કારોબારી સમિતિના ચેરપર્સનના પતિદેવ છે…
નોંધપાત્ર બાબત એ છે કે, ધ્રોલ પાલિકાની ચૂંટણીઓ બાદ પદાધિકારીઓની વરણી થતાં જ કેટલાંક લોકોના મોઢા મચકોડાયા હતાં…પછી એક મહિલા પદાધિકારીના પતિદેવ નિયમ વિરુદ્ધ સત્તાવાર બેઠકમાં હાજર રહ્યાના ફોટાઓ વાયરલ થયા…ત્યારબાદ, ધારાસભ્ય પુત્રના મકાનનો વિવાદ ચમકયો અને હવે આ વોટ્સએપ ચેટ વાયરલ થઈ…ટૂંકા ગાળામાં ઉઠેલાં આ વંટોળ દર્શાવે છે કે, આ સંવેદનશીલ મથકે ‘અંદર’ કાંઈક મોટો લોચો છે, જે શિસ્તબદ્ધની છાપ ધરાવતી પાર્ટીની ફજેતી કરે છે…