Mysamachar.in-જામનગર:
જામનગરનું GST તંત્ર એકદમ શાંતિથી પોતાના તમામ પ્રકારના કામો નિપટાવી લ્યે છે અને બીજી બાજુ આ SGST કચેરીના જામનગર ખાતેના મુખ્ય અધિકારી એવો પ્રચાર ચલાવતાં રહે છે કે, અમે તો એક પ્રકારની ‘ટપાલકચેરી’ છીએ, જૂનાગઢ કચેરી કહે એટલું જ પાણી અમે ગળાં નીચે ઉતારીએ. પરંતુ હકીકત એ છે કે, જામનગરની આ કચેરી ખોટું બોલે છે.
જામનગરમાં બ્રાસપાર્ટ સહિતના ઉદ્યોગ અને અન્ય ધંધાર્થીઓ વાર્ષિક અબજો રૂપિયા ઈધરથી ઉધર કરતાં હોય, તમામ પ્રકારની અનિયમિતતાઓ, ગેરરીતિઓ અને કૌભાંડોનું જ્ઞાન ધરાવતાં હોય, અને બીજી તરફ જામનગરની GST કચેરી એમ કહે કે, અમને કોઈ જ પ્રકારના નિર્ણયો લેવાની સતાઓ નથી, એ વારતા માને કોણ ?! અને, આ વારતાઓની સાથેસાથે જ, હજારો ધંધાર્થીઓને કંકોતરી મોકલી ‘ચાંદલો’ આપી જવાની ડિમાંડ નોટિસ આ જ જામનગર GST કચેરી ધંધાર્થીઓને મોકલાવે જ છે. આ સ્થિતિમાં બધાં જ પ્રકારની શંકાઓ જન્મ લ્યે તે સ્વાભાવિક લેખી શકાય.

એક ઉદાહરણ: જામનગરમાં રાજકોટ રોડ પર આવકવેરા કચેરીની બાજુમાં કેન્દ્ર સરકારનો CGST વિભાગ બેસે છે. આ વિભાગે વર્ષ 2017થી 2021 સુધીના, સેંકડો ધંધાર્થીઓના કેસ નિપટાવી દીધાં. ધંધાર્થીઓને ચિંતાઓ મુક્ત કરી દીધાં. આ વિભાગે આમ એટલાં માટે કર્યું છે કેમ કે, ખુદ કેન્દ્રીય નાણાંમંત્રીએ જેતે સમયે ધંધાર્થીઓને હેરાનગતિ ન થાય તેનું ધ્યાન રાખવા ખાતરી આપી હતી. અને, એ માટે તંત્રને સૂચનાઓ પણ પાસ ઓન થયેલી.
આમ કહેવાનો મતલબ એ છે કે, GST ધંધાર્થીઓને સેકશન 16(4) અંતર્ગત જે ડિમાંડ નોટિસ આપવામાં આવે છે, તે સંબંધેના 2021 સુધીના કેસ નિપટાવવા માટેનો સરકારનો નિયમ જાહેર થઈ ગયેલો હોવા છતાં, GSTના રાજ્ય વિભાગ અંતર્ગતની જામનગર કચેરી ધંધાર્થીઓને ડિમાંડ નોટિસ મોકલે છે. નાણાંની ઉઘરાણી કરે છે. CGST વિભાગને જે વાત લાગુ પડે છે, એ વાત આ SGST વિભાગ (જામનગર કચેરી)ને લાગુ નથી પડતી ?! જામનગરના હજારો ધંધાર્થીઓને શા માટે આ માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે ? ચર્ચાઓ તો એવી પણ છે કે, કચેરીની આ નીતિરીતિ કચેરીની નિયતમાં ‘ખોટ’ હોવાનો પુરાવો પણ હોય શકે.
