Mysamachar.in-જામનગર:
જામનગર પોલીસ વડા પ્રેમસુખ ડેલના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર પી.પી.ઝાએ ઓનલાઇન વિડીયો વાઇરલ કરવાનો ભય બતાવી બ્લેકમઈલ કરી તોડ કરતાં બે બોગસ પત્રકારોને ઝડપી પાડ્યા છે, તા.2/7/2022 ના રોજ લાખાબાવળ જામનગર પાસે ઓનલાઇન વિડીયો વાઇરલ કરવાનો ભય બતાવી બ્લેકમઈલ કરવાનો બનાવ બનેલ હોય તે અનુસંધાને જામનગર સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુન્હો દાખલ થયેલ હોય જેમાં આરોપીઓ દ્વારા પોતાની ઓળખ પત્રકાર તરીકેની આપી ફરિયાદી તેમજ તેની મહિલા મિત્રનો વિડીયો ઉતારીને વિડીયો વાયરલ કરી સામાજિક બદનામ કરવાની ધમકી આપી વિડીયો વાયરલ ન કરવા સારું ફરિયાદી પાસે દોઢ લાખ રૂપિયાની માંગણી કરેલ બાદમાં ફરિયાદી પાસેથી ઓનલાઈન ગૂગલ-પેના માધ્યમથી 20,000 રૂપિયા પડાવેલ હોવાનું સામે આવ્યું છે,
આવા બ્લેકમેલ કરનાર આરોપીઓને પકડી પાડવા સાઈબર ક્રાઈમ પોલીસની ટીમ સતત તપાસમાં રહેલ દરમ્યાન સાયબરકાઇમ ખાનગી રાહે બાતમી મળતા ફરીયાદ મુજબના બે ઇસમો લાલપુર બાયપાસ ચોકડી નજીક જયુપીટર વાહન સાથે હોય પંચ બી ડી.વી. પોલીસના હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજાની મદદથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના કુલદીપસિંહ જાડેજા તથા પો.કોન્સ ધર્મેશભાઈ વાનાણી દ્વારા પકડી પાડવામાં આવ્યા છે,
આરોપી પ્રવીણ કરશનભાઈ પરમાર,અભ્યાસ: ધોરણ 09 રહે-આંબેડકરવાસ ખભાળિયા, દેવભૂમિ દ્વારકા આ શખ્સ સામે આ પ્રકારનો બીજો ગુનો છે. આરોપી વિરૂધ્ધ જામખંભાળીયા પોલીસ મથકમાં પણ અગાઉ ગુન્હો નોંધાયેલ છે, જયારે અન્ય આરોપી પ્રકાશ વાલજીભાઈ ચાવડા,અભ્યાસ. ધોરણ 01 રહે. મોટામાંઢાં,તા ખંભાળિયા, દેવભૂમિ દ્વારકા આ બન્ને ઈસમો પાસેથી પોલીસે એક ટેબલેટ,3 મોબાઈલ, 1 પેનડ્રાઈવ, 2 એકસ્ટ્રા સીમકાર્ડ, 2 મેમરીકાર્ડ-02 ડેબિટ કાર્ડ 03, અલગ અલગ ઓળખકાર્ડ-04, આંબેડકર દર્પણ લખેલ માઇક-01, ટી.વી.એસ.જ્યુપીટર -01રોકડ રકમ 1930 કબજે કરવામાં આવ્યા છે,
ઝડપાયેલા બન્ને કહેવાતા પત્રકારો પત્રકાર તરીકે ઓળખ આપી જામનગર જિલ્લાના પર્યટન સ્થળો પર ફરવા ગયેલ યુગલોના વિડીયો ઉતારી વાઇરલ કરવાની ભય બતાવી કોમગાર્ડ તેમજ પત્રકારના એક્સપાયર્ડ થયેલા આઈડી કાર્ડ બતાવી યુગલોને બ્લેકમેઇલ કરી વિડીયો વાઇરલ ન કરવા અને ડિલીટ કરવાના નામે નાગરીકો પાસેથી બળજબરી પૂર્વક રૂપિયા પડાવતા હતા.. જામનગર પોલીસે અપીલ કરી છે કે આવા ઈસમોથી ડર્યા વિના સીધો જ પોલીસનો સંપર્ક કરવો જોઈએ.