Mysamachar.in-જામનગર:
જામનગર ક્રાઈમ બ્રાંચે જાહેરાત કરી કે, એક ધાડપાડુ લુંટારૂ ગેંગને ઝડપી લેવામાં આવી છે. એલસીબીના પીઆઈ વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ ઝડપાઈ ગયેલી આ ગેંગ દ્વારા તથા ગેંગના સાગરિતો દ્વારા રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં કુલ 48 ગુનાઓ આચરવામાં આવ્યા છે. આ ધાડપાડુઓ ગુનાઓ આચરતી વખતે પોતાની પાસે જિવલેણ હથિયારો પણ રાખતાં.
પોલીસે આ શખ્સો પાસેથી કુલ રૂ. 1,15,500 રોકડા, એક મોટરસાયકલ, 3 મોબાઇલ અને ગુનાઓ માટેના સાધનો તથા હથિયારો મળી કુલ રૂ. 1,56,290નો મુદ્દામાલ કબજે લીધો છે. આ શખ્સોના નામો: કમલેશ બદીયા પલાસ, અજય ધીરૂ પલાસ, ગોરધન ધીરૂ પલાસ, પંકેશ મથુર પલાસ અને રંગીત બાદર નીનામા છે. આ શખ્સો કાલાવડ-રણુંજા માર્ગ પરથી ઝડપાઈ ગયા હોવાનું જાહેર થયું છે. આ શખ્સોએ દેવભૂમિ દ્વારકા અને રાજકોટ જિલ્લામાં પણ ગુનાઓ આચરેલા છે.
આરોપીઓ મોડી રાત્રી દરમ્યાન બંધ રહેણાક મકાન તથા કારખાના-ફેકટરીને ટારગેટ કરી,લોખંડ કોસ,ગણેશીયા,ડીસમીસ,કટર વડે તાળા-બારી તોડી રહેણાક મકાન તથા કારખાના-ફેકટરીમા પ્રવેશી ચોરીઓને અંજામ આપતા હતા તેમજ મોડી રાત્રીના દરમ્યાન અવાવરૂ જગ્યા એ રોડ ઉપર લૂંટ ચલાવતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.