Mysamachar.in-જામનગર:
જામનગર એલસીબીએ શહેરના મહાકાળી સર્કલ નજીકથી ઝડપી લીધેલાં 3 શખ્સોની પૂછપરછમાં ખૂલ્યું છે કે, આ શખ્સો આંતરરાજ્ય ગેંગના સાગરિતો છે. પોલીસે કાર સહિત કુલ રૂ. 13,16,000 નો મુદ્દામાલ કબ્જે લીધો છે. આ શખ્સોની પૂછપરછમાં 28 ગુનાઓનો ભેદ ખૂલી ગયો છે.આ ગેંગના સાગરીતોએ ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના જિલ્લાઓમાં લુંટ, ઘાડ, અપહરણ, વાહનચોરી, અને ઘરફોડ ચોરીના ગુન્હાઓમાં સંડોવાયેલા છે,
એલસીબી PI વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ, 2 PSI કરમટા અને મોરીની ટીમે આ શખ્સોની ધરપકડ કરી છે. આ ત્રણેય શખ્સો મધ્યપ્રદેશના છે. આ આંતરરાજ્ય ગેંગમાં કુલ 15 સાગરિત છે, જે પૈકી 12 ને પકડવાના બાકી છે. જે પૈકી 3 શખ્સો જેલમાં છે. પોલીસે 12 લાખની કિંમતની કાર, રૂ. 1,06,000ની રોકડ તથા રૂ. 10,000ની કિંમતના 2 મોબાઇલ કબજે લીધાં છે. ઝડપાયેલા ત્રણેય શખ્સો મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કુશી તાલુકાના છે. આરોપીઓના નામો રાજુ સુમલ પંચાલ ઉર્ફે ગુડીયા, દિપક સુમલ પંચાલ અને પ્રભુ જવરસિંગ બધેલ છે.
આ ગેંગ દ્વારા અગાઉ જામનગર શહેર ઉપરાંત કાલાવડ, લાખાબાવળ, સિક્કા તથા રાજકોટ, ભૂજ, વાડીનાર, કચ્છ અને મધ્યપ્રદેશમાં જુદાં જુદાં 28 ગુનાઓને અંજામ આપ્યો હતો, એવી વિગતો પૂછપરછમાં ખૂલી છે. આ ગુનાઓમાં ધાડ,લૂંટ, અપહરણ, ઘરફોડ તથા વાહનચોરી જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર શહેરના રણજિતસાગર રોડ પરના વિવિધ વિસ્તારોમાં થયેલી કેટલીક ઘરફોડ ચોરીઓ સહિતના ગુનાઓનો ભેદ પણ આ શખ્સોની પુછપરછમાં ઉકેલાઈ ગયો છે. એલસીબીએ આ શખ્સોને બાતમીદારો પાસેથી મળેલી બાતમી અને કેટલીક ખાનગી હકીકતોના આધારે ઝડપી લીધાં છે.