Mysamachar.in-જામનગર:
સામાન્ય રીતે લોકમાનસ પર એવી છાપ હોય છે કે સનદી અધિકારીઓ હોય એટલે તે લોકોથી અંતર રાખે પણ આવું દરેક અધિકારીઓના કિસ્સાઓમાં હોતું નથી કેટલાક અધિકારીઓની સંવેદના દિલને સ્પર્શી જતી હોય છે, એવા જ એક એટલે જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર….આ સનદી અધિકારી પણ ગ્રામીણ વિસ્તારોની મુલાકાત હોય કે અધિકારીઓ સાથેની બેઠક કે પછી લોકહિતને લગત અલગ અલગ સ્વાગત કાર્યક્રમો આ તમામે તમામમાં તેવો લોકોને કોઈ અગવડના પડે લોકપ્રશ્નોનું સુખદ નિરાકરણ થાય તેવા પ્રયાસો તો કરે છે સાથે જ આ અધિકારીના દિલમાં એક અનોખી સંવેદના છે તે જોવા મળી દિવાળીની પૂર્વ સંધ્યાએ….
જામનગર શહેરમાં આવેલ ૐ ટ્રેનિંગ સેન્ટરના મનોદિવ્યાંગ બાળકો સાથે દિવાળીના પર્વની ઉજવણી કરી હતી. કલેક્ટર કેતન ઠક્કરે તમામ બાળકોને રૂબરૂ મળી સંવાદ કર્યો હતો. કલેક્ટર અને તેમના પરિવારે મનોદિવ્યાંગ બાળકો સાથે ફટાકડા ફોડ્યા હતા. અને બાળકોને ચોકલેટ તેમજ ફટાકડા આપી દિવાળી પર્વની શુભકામનાઓ પાઠવી હતી.
ૐ ટ્રેનિંગ સેન્ટરના મનોદિવ્યાંગ બાળકો દ્વારા અવનવી ડિઝાઇનના દીવડા બનાવવામાં આવે છે તેની કલેક્ટરએ પણ ખરીદી કરી હતી અને બાળકોની આ કળાને બિરદાવી હતી. સેન્ટર દ્વારા દિવાળીના પર્વ દરમિયાન આ દીવડાઓનું વેચાણ કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ ૪૦૦૦ દીવડાઓ બનાવવામાં આવ્યા હતા અને તે રકમનો બાળકો માટે જ ઉપયોગ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ડિમ્પલબેન મહેતા છેલ્લા ૧૭ વર્ષથી ૐ ટ્રેનિંગ સેન્ટર ચલાવે છે. અહીં હાલ ૫ થી ૭૫ વર્ષના ૪૫ જેટલા બાળકો રહે છે. અને આ તમામ બાળકો સાથે રહીને દિવાળીની ઉજવણી કરવા બદલ તેઓએ અને બાળકોએ કલેક્ટરનો આભાર માની ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.





