Mysamachar.in-જામનગર:
સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની સાથેસાથે, આ ચોમાસામાં વરસાદના દરેક રાઉન્ડમાં જામનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો હોય, ખેડૂતો સહિતના સૌ ખુશખુશાલ છે. આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થયેલાં 24 કલાક દરમ્યાન પણ જામનગર જિલ્લામાં 6 ઈંચ સુધીનો સચરાચર વરસાદ વરસ્યો છે.
જામનગર શહેરમાં ગઈકાલે ગુરૂવારે બપોરે 4 વાગ્યા પછીના 2 કલાકમાં એટલે કે સાંજે 6 વાગ્યા સુધીમાં એક ઈંચ જેટલો વરસાદ વરસી જતાં વાતાવરણમાં અને લોકોના હૈયામાં વધુ એક વખત ટાઢકનો અહેસાસ થયો. આ ઉપરાંત આ 24 કલાકમાં જોડિયા તાલુકામથકે 4 ઈંચ કરતાં વધુ વરસાદ, ધ્રોલમાં અમીછાંટણા, કાલાવડમાં અઢી પોણાં ત્રણ ઈંચ જેટલો વરસાદ, લાલપુરમાં ચાર ઈંચ જેટલો અને જામજોધપુરમાં 3 ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે.જો કે ગુરૂવારનો આ વરસાદ સેવકધુણિયા ગામ માટે અમંગલ પૂરવાર થયો છે. અહીં વરસાદી વીજળીના કારણે બે ખેતમજૂરની જિંદગીઓ હડપ થઈ ગઈ છે અને અન્ય બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે. ઢાઢર નદી વિસ્તારમાં આ કમનસીબ બનાવ બન્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
-જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો પૈકી સૌથી વધુ વરસાદ બાલંભા, મોટી ભલસાણ અને ધુનડામાં…
આજે શુક્રવારે સવારે 6 વાગ્યે પૂર્ણ થયેલાં 24 કલાક દરમ્યાન જિલ્લામાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ જોડિયા તાલુકાના બાલંભામાં નોંધાયો છે. આ ઉપરાંત જામનગર તાલુકાના મોટી ભલસાણમાં વધુ એક વખત મૂશળધાર વરસાદ વરસ્યો. આ રાઉન્ડમાં સાડાચાર ઈંચ વરસાદ નોંધાયો. આ સાથે જ જામજોધપુર તાલુકાના ધુનડામાં પણ 4 ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય છાંટાથી માંડીને ચાર ઈંચ સુધીનો સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જામવંથલીમાં બે ઈંચથી વધુ અને જામનગર તાલુકાના અન્ય મથકોમાં અડધાં ઈંચ આસપાસનો વરસાદ થયો છે. કાલાવડના ભલસાણ બેરાજા અને નવાગામમાં ત્રણ ત્રણ ઈંચ વરસાદ, જામજોધપુરના સમાણામાં ચાર ઈંચ , ધ્રાફામાં સાડાત્રણ ઈંચ, શેડવડાળામાં ત્રણ ઈંચ અને અન્ય મથકોમાં બેથી અઢી ઈંચ વરસાદ થયાના અહેવાલો છે.
ધ્રોલના લતીપુર અને જાલીયાદેવાણીમાં અડધાથી એક ઈંચ સુધીનો વરસાદ, કાલાવડના મોટા પાંચ દેવડામાં પોણાં બે ઈંચ, નિકાવા, ખરેડી અને મોટા વડાળામાં એક ઈંચ આસપાસ અને જામજોધપુરના જામવાડી તથા પરડવામાં બે થી અઢી ઈંચ જેટલો વરસાદ થયો છે. આ ઉપરાંત લાલપુરના મોટા ખડબામાં સાડા ત્રણ ઈંચ વરસાદ, ભણગોર અને હરિપરમાં અઢી ઈંચથી વધુ અને પીપરટોડામાં સવા બે ઈંચ તથા પડાણા અને મોડપરમાં એકાદ ઈંચ આસપાસ વરસાદ નોંધાયો છે.