Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી દાદાઓ પર પોલીસ ભારે પડી રહી છે, પહેલા જયેશ પટેલ આણી ગેંગ બાદ હવે ગુન્હાખોરીની દુનિયામાં માથું ઊંચકી રહેલ સાઈચા ગેંગના અસ્તિત્વને નાબુદ કરવા જામનગર પોલીસ સહિતની વહીવટી તંત્ર સજ્જ થયું છે, અને આજે રજાક સાઈચા દ્વારા સરકારી જગ્યા પર ખડકી દેવામાં આવેલ ગેરકાયદે બંગલો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે,
જામનગર શહેરમાં જુગારનો અડ્ડાથી લઈને સામાન્ય લોકોને રંજાડીને ખૂનની કોશિશ, મારામારી જેવા અસંખ્ય ગુના આચરીને કહેર મચાવનાર કુખ્યાત ગુનેગાર રજાક સાઇચાનાં સરકારી જગ્યા પર ગેરકાયદેસર બંગલો બનાવીને કબ્જો કરેલ બંગલો પર બુલડોઝર ખુદ જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની હાજરીમાં ફેરવી દેવામાં આવ્યું છે.પોલીસ માહિતી આપતા કહે છે રજાક સાઈચા અને તેના પરિવાર વિરૂદ્ધ જામનગર જિલ્લામાં ખુનની કોશિશ, રાયોટિંગ, વ્યાજ વટાવ, સરકારી કર્મચારી પર હુમલો, મકાન પચાવી પાડવા, મારામારી, જાનથી મારી નાખવાની ધમકી, જુગાર, પ્રોહિબિશન જેવા અંદાજિત 50 કરતા પણ વધારે ગુનાઓ દાખલ થયેલ છે.
આમ, આવી અસામાજીક પ્રવુતિઓ કરતા ગુનેગાર વિરૂદ્ધ કાર્યવાહી થતા ગુંડાઓમાં ભયનો માહોલ અને જામનગરની પ્રજામાં હર્ષ સાથે સંતોષની લાગણી પ્રસરી ગયેલ છે, આજે આ ઓપરેશન દરમિયાન એસ.પી.સાથે જામનગર શહેર DYSP જયવીરસિંહ ઝાલા, એલસીબી અને ત્રણેય ડીવીઝનના પોલીસ ઇન્સ્પેકટરો સહિતની મોટી પોલીસ ટીમ સ્થળ પર હાજર રહી હતી.
-અમદાવાદમાં હતા પ્રેમસુખ ડેલુ ત્યારે….
હાલ જામનગર એસ.પી. પ્રેમસુખ ડેલુ અગાઉ અમદાવાદ શહેર ખાતે ફરજ બજાવતા હતા ત્યા પણ તેવોએ કુખ્યાત અને ગુનાહિત માનસિકતા ધરાવતા ગુનેગારોના ગેરકાયદેસર મકાન, બિલ્ડિંગ પર બુલડોઝરથી ધમરોળવા માટે જાણીતા છે, ત્યારે હવે પ્રેમસુખ ડેલૂનાં ફરીથી બુલડોઝર અભિયાનનો તેવોએ જામનગરમાં પણ કર્યો હોય તેમ લાગી રહ્યું છે.