Mysamachar.in-જામનગર:
સરકારી જગ્યાઓ પર અવેધ ક્બ્જાઓ કરનાર સામે સરકારના છુટા દૌર બાદ સ્થાનિક તંત્રો લાલ આંખ કરી રહ્યા છે, જામનગર શહેરમાં પણ કેટલાક ઈસમો દ્વારા યેનકેન પ્રકારે મનપાની માલિકીની જગ્યાઓ પર ગેરકાયદે માચડાઓ ખડકી દેવામાં આવ્યા છે, ત્યાં મનપાની ટીમો છાશવારે કમિશનરની સુચના મુજબ જીલ્લા પોલીસ તંત્રના બંદોબસ્ત સાથે તોડી પાડે છે.આજે પણ આવી જ કાર્યવાહી બે જગ્યાઓ પર થઇ છે જેમાં નદીના પટ્ટમાં વિશાળ જગ્યામાં ઉભું કરવામાં આવેલ ક્રિકેટ બોક્સ અને આરોપી શખ્સના રહેણાંક મકાનને આજે જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે.
તંત્ર પાસેથી મળતી વિગતો અનુસાર જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના સામુહીક દુષ્કર્મના કેસના આરોપી હુશેન ઉર્ફે હુશેન ગુલમામદ ઇસ્માઇલભાઇ શેખ દ્વારા ઘાંચીની ખડકી બહાર નદીના કાંઠે આવેલ સરકારી જગ્યા 1712 સ્ક્વેર ફુટ ઉપર ગેરકાયદેસર કબ્જો જમાવી આશરે કુલ 2446 સ્ક્વેર ફુટમાં કુલ 4 મકાનોનુ બાંધકામ કરેલ હોય જે ગેરકાયદેસર બાંધકામ જામનગર મહાનગરપાલિકાના મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીના સીધા માર્ગદર્શન હેઠળ એસપી પ્રેમસુખ ડેલુ સહિતની ટીમના જરૂરી પોલીસ બંદોબસ્ત સાથે મહાનગરપાલીકાના તંત્ર દ્વારા દુર કરવામાં આવેલ છે.
-નદીના પટ્ટમાં 50 હજાર ફૂટ જગ્યામાં ક્રિકેટ બોક્સને ખડકી દેવામાં આવ્યું હતું તંત્રે ઉખેડી નાખ્યું …
આ મકાનો ઉપરાંત જામનગર શહેરમાં કેટલાક વર્ષોથી રંગમતી નાગમતી નદીમાં કેટલાક રાજકીય આકાઓની ઓથ મેળવીને ઉભા થયેલ નાના મોટા દબાણો વરસાદી પાણીના પ્રવાહમાં અવરોધ ઉભો કરે છે અને જેને કારણે કેટલાય વિસ્તારના નાગરિકોને વરસાદી પાણીની સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવે છે, ત્યારે આજે આ મકાનોનો ડીમોલીશન ઉપરાંત રંગમતી નદીના પટ્ટમાં વચ્ચોવચ્ચ દબાણરૂપ અંદાજે 50 હજાર ફૂટ જેટલી જગ્યા જેની કીમત કરોડો રૂપિયા થાય તેના પર ક્રિકેટ બોક્સનું નિર્માણ કાર્ય કોઈ ઈસમો દ્વારા કરવામાં આવ્યું હોય તેને પણ તંત્ર દ્વારા ધ્વંશ કરી દેવામાં આવ્યું છે.
વધુમાં મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ my samachar.in સાથેની વાતચીતમાં કહ્યું કે રંગમતી નાગમતી નદીના પ્રવાહમાં અવરોધરૂપ દબાણો ઓળખ થઇ ચુક્યા છે અને આ તમામ પટ્ટ ખાલી કરી દેવાની કાર્યવાહી ચાલતી રહેવાની છે. અને કોઈપણ સંજોગોમાં કોઈપણ ગેરકાયદે બાંધકામ કે દબાણો હશે તેને જરૂરી નોટીસ સહિતની કાર્યવાહી કરી અને કોઈ શેહશરમ વગર આગામી દિવસોમાં પણ દુર કરી દેવામાં આવશે તે વાત નિશ્ચિત હોવાનું વાતચીતના અંતે જણાવ્યું હતું.