Mysamachar.in-જામનગર:
જામનગરના પટેલકોલોની જેવા સંસ્કારી પરિવારોના વસવાટ સમા ગીચ વિસ્તારના એક રહેણાંક મકાનમાં, એક મહિલા અન્ય યુવતિઓ પાસે દેહ વ્યાપાર કરાવતી ઝડપાઈ ગયાનું જાહેર થતાં આ વિસ્તારમાં ચકચાર જાગી છે. પોલીસે આ સ્થળેથી 2 ગ્રાહકોને ઝડપી લીધાં છે અને રોકડ રકમ પણ કબજે લીધી છે.
જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે રવિવારે સાંજે જાહેર થયું છે કે, રવિવારે બપોરે 4-30 વાગ્યા આસપાસ પટેલ કોલોની શેરી નંબર 9ના છેડે આવેલા ચિરાગ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર સોની તરીકે ઓળખાતી અને ભાડાના મકાનમાં રહેતી આશરે 50 વર્ષની મહિલાના મકાન પર દરોડો પાડવામાં આવ્યો.
આ દરોડામાં જાણવા મળેલ છે કે, આ મહિલા અન્ય મહિલાને બહારથી બોલાવી, પૈસાની લાલચ આપી તેની પાસે દેહ વ્યાપાર કરાવી રહી છે અને ગ્રાહકોને આ માટે પોતાના કબજા ભોગવટાવાળા મકાનમાં વ્યવસ્થાઓ કરી આપતી હતી. પોલીસે આ મહિલા ઉપરાંત આ મકાનમાંથી દરોડા સમયે મળી આવેલા 2 ગ્રાહક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
પોલીસે જે 2 ગ્રાહક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે તે પૈકી નિતેશ શાંતિલાલ વસા વિકાસગૃહ સામે આવેલી ઈન્દ્રદીપ સોસાયટીના C-4 નંબરના બ્લોકમાં 83 નંબરના ફ્લેટમાં રહે છે. તથા અન્ય ગ્રાહક ફિરોઝ અબ્દુલભાઈ ચૌહાણ નામનો યુવાન ડ્રાઇવિંગ કરે છે અને ધરારનગર-2 માં સૈયદી હોટેલ સામે રહે છે. પોલીસે આ મહિલા અને બંને પુરૂષ આરોપીઓ મળી કુલ 3ની ઈમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટની કલમો હેઠળ અટકાયત કરી છે. પોલીસે આ દરોડામાં રોકડ રકમ સહિત કુલ રૂ. 35,020નો મુદ્દામાલ કબજે લીધો છે.(presentation Image)