Mysamachar.in: જામનગર
16 માર્ચ લોકસભા ચૂંટણીઓની જાહેરાત, 7 મે મતદાન અને છેક 4 જૂને મતગણતરીઓ- આટલાં લાંબા સમય સુધી જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ચૂંટણીઓની ચર્ચાઓ ચાલી અને શું થશે ? એવો પ્રશ્ન સર્વત્ર ચર્ચાતો રહ્યો. પરંતુ જામનગર લોકસભા બેઠકના વિસ્તારોમાં લાખો લોકો એમ માનતા જ હતાં કે, જામનગર બેઠક ભાજપા માટે એકતરફી છે. ચૂંટણીઓની જાહેરાત અગાઉ જ ઉમેદવાર તરીકે ભાજપાએ પૂનમબેનના નામની જાહેરાત કરી દીધી હતી ત્યારે જ લોકોએ સ્વીકારી લીધેલું કે, કોંગ્રેસ હવે ગમે તેને ટિકિટ આપે, જિતે છે પૂનમબેન. અને, લોકોનો આ ભરોસો મતગણતરીઓ સમયે સાચો સાબિત થયો. મોટી લીડ સાથે પૂનમબેન સતત ત્રીજી વખત સાંસદ બન્યા.
પૂનમબેનને સૌથી વધુ મત દ્વારકા-કલ્યાણપુર વિધાનસભા મતવિસ્તારમાંથી 1,05,014 મત પ્રાપ્ત થયા. આ વિધાનસભા મત વિસ્તારમાં મતદારોની સંખ્યા મોટી છે. બીજી તરફ કોંગ્રેસને સૌથી ઓછાં મત જામનગર દક્ષિણ વિધાનસભા મતવિસ્તારમાંથી 43,162 મત મળેલ છે. એમ હવા બનાવવામાં આવી હતી કે, પાટીદાર ઉમેદવાર હોવાથી કોંગ્રેસને ઘણાં મત મળશે. પરંતુ આ હવા હવા જ રહી. પાટીદારો દર વખતે ભાજપા સાથે જ રહ્યા છે- ત્રણ ચૂંટણીઓથી આમ જોવા મળેલ છે.
બીજી તરફ રાજકોટના રૂપાલા વિવાદ બાદ એમ માનવામાં આવતું હતું કે, જામનગર બેઠક પર પણ ક્ષત્રિય સમાજ પ્રભાવ દેખાડી શકશે. પરંતુ પૂનમબેન 2019 કરતાં પણ વધુ મોટી લીડ સાથે વિજેતા થયા. આમ, પ્રચારમાં જે હવા ચલાવવામાં આવી એ આખરે હવા માફક વિખેરાઈ ગઈ અને પૂનમબેન ફરીથી વિજેતા બન્યા.
કેટલાંક આંકડાઓ: પૂનમબેનને કાલાવડ વિધાનસભા મતવિસ્તારમાંથી 68,817 મત, જામનગર ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારમાંથી 80,601 મત, જામનગર ઉત્તર મતવિસ્તારમાંથી 97,038 મત, જામનગર દક્ષિણ મતવિસ્તારમાંથી 87,507 મત, જામજોધપુર મતવિસ્તારમાંથી 75,290 મત અને ખંભાળિયા વિધાનસભા મતવિસ્તારમાંથી 1,03,853 મત મળેલ છે. ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ મતદાન જામનગર ગ્રામ્ય વિધાનસભામાં અને સૌથી ઓછું મતદાન દ્વારકા-કલ્યાણપુર વિધાનસભા મતવિસ્તારમાં થયેલું.
પૂનમબેન માડમને ત્રણેય વખત જે લીડ પ્રાપ્ત થઈ છે તે જામનગર બેઠકના અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી વધુ રહી છે. 2014માં લીડ 1,75,289 મતની હતી. 2019માં લીડનો અંક 2,36,804 રહ્યો અને આ વખતે 2024માં પૂનમબેનની લીડ 2,38,008 રહી. દરેક વખતે લીડ વધતી રહી.આ લીડ દર્શાવે છે કે, હાલાર ભાજપા સાથે જ છે.
જામનગર બેઠક પર પોસ્ટલ બેલેટના 3,131 મત માન્ય રહ્યા, જે પૈકી 1,929 મત ભાજપાને મળેલ અને 1,092 મત કોંગ્રેસમાં ગયા. પોસ્ટલ બેલેટ કુલ મતદાન 3,473 હતું. બાકીના મત માન્ય ન રહ્યા. ભાજપા અને કોંગ્રેસ પછી સૌથી વધુ મતમાં ત્રીજા ક્રમે બસપા ના ઉમેદવાર જયસુખ પિંગલસુર રહ્યા. તેમને 11,462 લોકોએ મત આપ્યા. બાકીના તમામ 11 ઉમેદવારને મળેલા મત ખૂબ ઓછા છે. ભાજપા અને કોંગ્રેસને બાદ કરતાં બાકીના તમામ 12 ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી છે.
-NOTA નો વિકલ્પ પસંદ કરનારાઓ આટલાં…
ભારતીય ચૂંટણી વ્યવસ્થા લોકોને મતદાન માટે એક એવો વિકલ્પ પણ આપે છે કે, જો તમારે એક પણ ઉમેદવારને મત ન આપવો હોય તો, મને એક પણ ઉમેદવાર પસંદ નથી એવું દર્શાવવા તમે NOTA વિકલ્પ પસંદ કરી, મતદાન કરી શકો છો. જામનગર બેઠક પર 11,084 મતદારોએ આ મતદાન કર્યું. તેઓને પક્ષોનું કે અપક્ષોનું હાલનું રાજકારણ પસંદ નથી, એ જણાવવા તેઓ છેક મતદાન મથક સુધી પહોંચ્યા અને પોતાનો મત નોંધાવી દીધો. કુલ 14 ઉમેદવાર પૈકી 11 ઉમેદવારને જે મતો મળેલા છે તેના કરતાં વધુ મતો NOTA વિકલ્પમાં નોંધાયા.