Mysamachar.in-જામનગર:
જામનગરની શ્રી મોટી હવેલીના ગાદીપતિ પૂ.પા.ગો.શ્રી 108 હરીરાયજી મહારાજનાં આત્મજ પૂ.પા.ગો.શ્રી વલ્લભરાયજી મહોદયનાં આત્મજ ચિ.ગો.શ્યામારાજા બેટીજીનાં શુભ વિવાહ પ્રસ્તાવનો ઉત્સવ કારતક વદ આઠમ, નોમ અને દસમનાં તા.5, 6 અને 7 ડિસેમ્બરનાં મ્યુનિસિપલ કોર્પોરેશન મેદાન, શ્રીજી હોલ પાછળ, મેહુલ નગલ ટેલિફોન એક્સચેન્જ રોડ, જામનગરમાં નિર્ધારીત કરવામાં આવ્યો છે.
માંગલિક પ્રસંગને પગલે શ્રી મોટી હવેલી જામનગરમાં શ્રી મદનમોહન પ્રભુનાં વિવિધ મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત કારતક વદ પાંચમને આજે તા.2 ડીસેમ્બરને શનિવારે લાલ ઘટામાં જરદોશીનો અષ્ટખંભો તથા કારતક વદ છઠ્ઠને તા.3ને રવિવારે કેસરી ઘટામાં સોનેરી તુઇનો બંગલો મનોરથ યોજાશે. સંધ્યા આરતી સાંજે 5:30 કલાકે તથા શયન આરતી 7:30 કલાકે થશે.
શુભ વિવાહ પ્રસ્તાવ અંતર્ગત કારતક વદ આઠમને તા.5 ડિસેમ્બરને મંગળવારે રાત્રે 8 કલાકે નિશ્ચય તાંબુલ (બડી સગાઇ) યોજાશે.કારતક વદ નોમ તા.6 ડિસેમ્બરને બુધવારે બપોરે ૧૨ કલાકે વૃદ્ધીની સભા તથા સાંજે 7 કલાકે શુભ વિવાહ ઉત્સવ ઉજવાશે. કારતક વદ દસમ તા.7 ડિસેમ્બર ગુરૂવારે બપોરે 12:00 કલાકે બડી પઠોની (વિદાઇ) કાર્યક્રમ યોજાશે.
બહારગામથી આવનારા વૈષ્ણવો માટે ઉતારા તથા મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ આમંત્રિત અતિથીઓ માટે તા.6 ડિસેમ્બર બુધવારે રાત્રે 9 કલાકે શુભ વિવાહ પ્રસ્તાવનાં શુભ સ્થળે જ મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. પૂ.પા.ગો. 108 શ્રી હરીરાયજી તથા પૂ.પા.ગો.વલ્લભરાયજી મહોદયની નિશ્રામાં ઉજવાનારા શુભ પ્રસંગે શ્રી ચિ. પૂ.પા.ગો.શ્રી રસાદ્રરાયજી તથા ચિ. પૂ. પા.ગો.શ્રી પ્રેમાર્દ્રરાયજીનું સાંનિધ્ય પણ પ્રાપ્ત થશે. માંગલિક અવસરને પગલે વૈષ્ણવ સમાજમાં હરખની હેલી છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સમિતિના પ્રમુખ જીતુભાઇ લાલ, જામનગર વૈષ્ણવ સમાજના પ્રમુખ વજુભાઇ પાબારી, ઉપપ્રમુખ કુરજીભાઇ મુંગરા અને મનમોહનભાઇ સોની, રણજીતભાઇ મારફતીયા, મંત્રી હિતેનભાઇ બુઘ્ધભટ્ટી, સહમંત્રી નલીનભાઇ રાજાણી અને ખજાનચી રાજેશભાઇ માંડવીયા તેમજ કારોબારી સભ્યો ખુબ જ જહેમત ઉઠાવી રહ્યા છે.