Mysamachar.in-જામનગર:
જામનગર શહેર અને જિલ્લા ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાછલાં 72 કલાક ખૂબ જ અઘરાં સાબિત થયા. સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં આ પ્રકારની સ્થિતિઓ જોવા મળી. ઠેરઠેર વરસાદી અને જળાશયોના પાણી ઘરો, દુકાનો અને ઓફિસોમાં ઘૂસી જતાં લાખો લોકોએ ખૂબ જ હાલાકીઓ વેઠવી પડી અને સાથેસાથે લોકોને તથા જાહેર મિલકતોને પારાવાર નુકસાન પણ વેઠવું પડ્યું છે.
જામનગર શહેરમાં કાલે બુધવારે સાંજથી વરસાદ હળવો પડતાં અને રણજિતસાગર ઓવરફલો તથા રંગમતીના દરવાજા ખોલવાને કારણે શહેરમાં આવતું પાણી બંધ થયા પછી, શહેરના ગુલાબનગર, મોહનનગર, નારાયણનગર, રણજિતસાગર રોડ પરની સોસાયટીઓ , રામેશ્વરનગર અને નાગેશ્વર સહિતના વિસ્તારોમાં પાણી ઓસરતા ઠપ્પ થઈ ગયેલું જનજીવન નવેસરથી શરૂ થવા પામ્યું છે. લોકો શાકભાજી અને દૂધ જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓની ખરીદીઓ માટે નીકળી રહ્યા છે. જો કે વાતાવરણ તો હજુ વરસાદી જ છે અને શહેરના ઘણાં બધાં વિસ્તારોમાં હજુ પણ વીજ પૂરવઠો શરૂ થઈ શકયો નથી.
આ સ્થિતિઓ વચ્ચે હજુ પણ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ પરની ઘાત હજુ સાવ ટળી નથી. ડીપ ડિપ્રેશનની સૌથી વ્યાપક અસરો જામનગર અને દ્વારકા જિલ્લાઓમાં જોવા મળે છે. આ ડિપ્રેશન ધીમેધીમે કચ્છ અને પાકિસ્તાન તરફ સરકી રહ્યું હોય, આગામી કલાકોમાં કચ્છની સ્થિતિઓ વણસી શકે છે અને જામનગર સહિત સમગ્ર હાલારમાં પણ હજુ 48 કલાક ભારે છે. રેડ એલર્ટ જાહેર થયેલું જ છે. આગામી 48 કલાકમાં એક અથવા એક કરતાં વધુ વખત મેઘરાજા હાલારમાં ગમે ત્યાં અથવા સમગ્ર હાલારમાં ત્રાટકી શકે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થિતિ હજુ વધુ ગંભીર બની શકે છે.
