My samachar. in-જામનગર
જામનગર શહેરમાં તળાવની પાળે આવેલા શ્રી બાલા હનુમાન સંકીર્તન મંદિરમાં ચાલી રહેલી અખંડ રામધૂનને 61 વર્ષ પૂર્ણ થયા. 1964ની સાલમાં પહેલી ઓગસ્ટે શરૂ થયેલી આ અખંડ રામધૂનનો આજે 62મા વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. આ અખંડ રામધૂન ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં વર્ષોથી સ્થાન પામેલી છે.
1964ની સાલમાં મૂળ બિહારના અને જામનગરમાં સ્થાયી થયેલા સંત શ્રી પ્રેમભિક્ષુજી મહારાજે આ અખંડ જપનામ યજ્ઞનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારથી આટલાં વર્ષો દરમ્યાન કુદરતી આફતો અને કોરોનાકાળ જેવા કપરા સમયમાં પણ આ અખંડ રામધૂન કોઈ પણ પ્રકારના વિક્ષેપ વગર અખંડ રહી શકી છે. અત્યાર સુધીમાં દેશવિદેશના લાખો રામભકતો તથા બજરંગબલિના ઉપાસકો આ પવિત્ર યાત્રાધામની મુલાકાત લઈ ધન્યતાનો અહેસાસ કરી ચૂક્યા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર ઉપરાંત ઓખા અને દ્વારકા શહેરમાં પણ અખંડ રામધૂન પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આજે આ વિશેષ અને મંગલ દિન નિમિતે શ્રી બાલા હનુમાન સંકીર્તન મંદિર ટ્રસ્ટ દ્વારા મહાઆરતી અને સત્સંગ સહિતના વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારથી જ આ મંદિરમાં ભાવિકોનો પ્રવાહ શરૂ થઈ ગયો છે અને અખંડ હરિનામ સંકીર્તન ચાલી રહ્યું છે.