Mysamachar.in-જામનગર:
કેટલીક સરકારી કચેરીઓમાં ભ્રષ્ટ અધિકારીઓ વર્ષભર અને ખાસ કરીને તહેવારોમાં સંબંધિત તત્વો પાસેથી મોંઘીદાટ ભેટો મેળવતાં હોય છે. તે ગીફ્ટના સ્વરૂપ અલગ અલગ હોય છે જેમ કે કોઈ જગ્યાએ રોકડ, મોંઘાદાટ મોબાઈલ ફોન, ગોલ્ડ કે સિલ્વર, વાહન, ઘરમાં જરૂરી ચીજવસ્તુઓ સહિતના લાંચ દિવાળીને નામે અલગ-અલગ પ્રકારે સ્વીકારવામાં આવતી હોય છે, અધિકારીઓને તથા કર્મચારીઓને સહપરિવાર વેકેશન ટૂર-હવાઈયાત્રા, વિદેશયાત્રા જેવાં પ્રલોભનો પણ આપવામાં આવતાં હોય છે, આ વખતે દીવાળી સાથે-સાથે વિધાનસભા ચૂંટણી પણ હોય, ઘણાં બધાં અધિકારીઓને વૈભવી ગિફ્ટ મળી શકે છે.
આ આખો મુદ્દો ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે રાજ્યભરની ACBને સતર્ક કરી દીધું છે.ત્યારે જામનગર ACB નાં નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેકટર એન.આર.ગોહેલ અને તેમની જામનગર એસીબી ટીમ સરકારની સુચનાનીઅમલવારીના ભાગરૂપે સરકારી કચેરીઓની આસપાસ અધિકારીઓ અને કર્મચારીઓ પર વોચ ગોઠવીને બેઠી છે. આ ઉપરાંત જે ખાનગી વ્યક્તિઓ ગિફ્ટ સંબંધિત અધિકારીઓ સુધી પહોંચાડવા સરકારી કચેરીઓની મુલાકાતો લેતાં હોય તેવાં લોકો પર પણ ACB તંત્ર વોચ રાખી રહ્યું હોવાનું અત્યંત આધારભૂત સૂત્રો જણાવે છે. આ વોચ સફળ નીવડશે તો દીવાળીનાં તહેવારો દરમિયાન કેટલાંક અધિકારીઓ અને કર્મચારીઓની ધરપકડનાં ફટાકડાઓ ફૂટશે, તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે.