જામનગરના ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાં ગઈકાલે રવિવારે ભરબપોરે એક યુવાનની કરપીણ હત્યા નિપજાવવામાં આવી છે અને આ મામલે કુલ 3 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. મૃતક યુવાનની પત્ની રિસામણે બેઠી છે અને આ સંબંધે વાતચીત દરમ્યાન હત્યાનો આ બનાવ બન્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રવિવારે સાંજે પોણાં સાત કલાકે આ ફરિયાદ દાખલ થઈ છે. જેમાં ફરિયાદી ગીલાભાઈ વિરાભાઈ પરમાર(63)એ એમ જણાવ્યું છે કે, રવિવારે બપોરે દોઢેક વાગ્યા આસપાસ આ બનાવ પાણાખાણ શેરી નંબર પાંચમાં બન્યો હતો. મૃતક યુવાન અને મુખ્ય આરોપી સંબંધમાં સાઢુભાઈ હોવાનું જાહેર થયું છે.
પોલીસમાં એમ જણાવવામાં આવ્યું છે કે, મૃતક યુવાન રોહિતની પત્ની તેજલ હાલ રિસામણે બેઠી છે. તેજલ હાલ મૃતક રોહિતના સાઢુભાઈ નરેશના ઘરે હોવાથી, તેજલને પરત તેડી લાવવા તેણીનો પતિ રોહિત વાતચીત કરવા માટે નરેશ તુલસીભાઈ પરમાર ને ઘરે ગયો હતો. આ વાતચીત દરમ્યાન નરેશ પરમાર અને તેના 2 દીકરાઓ સુજલ અને વિમલ નરેશભાઈ પરમારે મૃતક રોહિત સાથે બોલાચાલી કરી અને એ દરમ્યાન છરી તથા લોખંડના પાઈપ વડે રોહિતને ડાબા પડખામાં તથા માથામાં ગંભીર ઈજાઓ પહોંચાડી દેતાં પત્નીને તેડવા ગયેલા રોહિતે જિવ ખોવો પડ્યો. પોલીસે નરેશ પરમાર અને તેના 2 દીકરાઓ વિરુદ્ધ ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો છે. હત્યાના આ બનાવને કારણે પાણાખાણ, ગોકુલનગર વિસ્તારમાં ચકચાર મચી છે.