Mysamachar.in-જામનગર:
જામનગરને જાજરમાન બનાવવા માટે શાસકો અને અધિકારીઓ રાતદિવસ મહેનત કરી રહ્યા છે, અને શહેરની સુંદરતામાં વધુ એક મોરપીછ ઉમેરાય તેના માટે પાછલા તળાવની કાયાકલ્પનું કામ મનપાએ ઉપાડી લીધું છે, આજે બુધવારે મહાનગરપાલિકાએ શહેરના તળાવના વધુ વિકાસ માટેના વધુ એક પ્રોજેક્ટની લાક્ષણિકતાઓ અને વાસ્તવિકતાઓ મીડિયા સમક્ષ જાહેર કરી છે, કમિશનર દ્વારા આ વિગતો જાહેર કરવામાં આવી ત્યારે પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

આજે બપોરે મહાનગરપાલિકાએ જાહેર કર્યું કે, રણમલ તળાવ ભાગ 2 અને 3 ના નવા પ્રોજેક્ટનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. અહીં રૂ. 30 કરોડનો ખર્ચ કરવામાં આવશે અને આગામી 24 મહિનામાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે. કમિશનર ડી.એન.મોદીએ વધુ વિગતો આપતાં જણાવ્યું કે, આ તળાવની કાયાકલ્પનો પ્રોજેક્ટ પર્યાવરણીય નુકશાન કે ના થાય તે રીતે કરવામાં આવી રહ્યો છે જેનાથી શહેરની સુંદરતામાં પણ વધારો થશે,

કમિશનરે વધુ વિગતો આપતા કહ્યું કે અહીં મુલાકાતીઓ માટે સુવિધાઓ વિકસાવવામાં આવશે. પક્ષીઓ અંગે સમજ અને જાણકારીઓ આપવામાં આવશે. બાળકો માટે ઈન્ડોર અને આઉટડોર રમતો ઉપલબ્ધ કરાવવામાં આવશે. તળાવની ફરતે ઢાળ પર પથ્થરથી ગૂંથાયેલો પાળો અને તેની ફરતે બીમથી ટકાઉ અને મજબૂત પાળાનું નિર્માણ કરવામાં આવશે. તળાવની સુંદરતા માટે હર્બલ, એરોમેટીક અને બટરફ્લાય ગાર્ડનના સોફ્ટ લેન્ડસ્કેપ બનાવવામાં આવશે. કમિશનર દ્વારા આ તકે પ્રોજેક્ટની સંખ્યાબંધ લાક્ષણિકતાઓ રજૂ કરવામાં આવી. અને જાહેર કરવામાં આવ્યું કે, અહીં કુદરતી સૌંદર્ય- શૈક્ષણિક મૂલ્ય- સુખાકારીના લાભોનું અનેરૂં મિશ્રણ ઉપલબ્ધ થશે. આ રીતે તળાવ સૌ માટે લોકભોગ્ય સંપત્તિ બનશે. કમિશનરે આ તમામ માહિતીઓ અને વિગતો આપી ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેષભાઈ કગથરા ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સિટી ઈજનેર ભાવેશભાઈ જાની વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

-તળાવની પાણી સંગ્રહ ક્ષમતા ઘટશે નહિ વધશે:મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી
આ તળાવનો પોજેક્ટ શરુ થયા બાદ એવી વાતો ચાલી રહી છે કે તળાવ બુરાઈ જશે તેની સ્ટોરેજ કેપેસીટી ઘટી જશે… ત્યારે આજે આ પત્રકાર પરિષદમાં મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીને my samachar દ્વારા આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે કમિશનરે કહ્યું કે જે રીતે ઊંડું ઉતારવાનું આયોજન છે તે જોતા તળાવના કુલ સંગ્રહશક્તિમાં એક કરોડ લીટર પાણીનો વધારો થશે, એક ઘનમીટર માટી કાઢવાથી એક હજાર લીટરનો પાણીનો સંગ્રહશક્તિ વધી શકે આમ કુલ પાણીનો સંગ્રહ વધશે જેનાથી ટ્યુબવેલ અને બોરવેલ પણ રીચાર્જ થશે.અને તળાવ બુરાઈ જશે તે વાત પાયાવિહોણી છે.
